12 June, 2026 07:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્લેન-ક્રૅશમાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો આજે પણ એ ખોફનાક ક્ષણોમાંથી બહાર આવી શક્યા નથી.
૨૦૨૫ની ૧૨ જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું ઍર ઇન્ડિયાનું AI-171 વિમાન (બોઇંગ ડ્રીમલાઇનર) ટેક-ઑફની થોડી જ મિનિટોમાં બી. જે. મેડિકલ કૉલેજની મેસ અને હૉસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. ભારતના આધુનિક ઇતિહાસમાં ગુજરાતના આ સૌથી ભયાનક વિમાન-અકસ્માતમાં ૨૪૧ પ્રવાસીઓ, ક્રૂ અને જમીન પરના ૧૯ લોકો સહિત કુલ ૨૬૦ જણે જીવ ગુમાવ્યો હતો. પ્લેનમાં સવાર લોકોમાંથી માત્ર વિશ્વાસકુમાર રમેશ નામના મુસાફરનો જ ચમત્કારિક બચાવ થયો હતો. આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂરું થવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ બદલાઈ નથી અને પ્લેન-ક્રૅશમાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો આજે પણ એ ખોફનાક ક્ષણોમાંથી બહાર આવી શક્યા નથી.
DNA ટેસ્ટથી ઓળખ થઈ અને પરિવારે શહેર છોડ્યું
સૌથી મોટો આઘાત ઠાકોર પરિવારે સહન કર્યો છે. ટિફિન ડિલિવરી કરતા રવિ ઠાકોર અને લલિતાબહેનની પુત્રી આદ્યા અને માતા સરલાબહેન આ દુર્ઘટનામાં જીવતાં ભૂંજાઈ ગયાં હતાં. તેમની લાશની ઓળખ માત્ર DNA પ્રોફાઇલિંગથી જ શક્ય બની હતી અને અકસ્માતના ૭ દિવસ પછી અંતિમ સંસ્કાર થયા હતા. આ અસહ્ય દર્દને કારણે ઠાકોર પરિવારે હંમેશ માટે અમદાવાદ છોડીને વતન પાટણ સ્થળાંતર કરી લીધું છે.
મૃતદેહ ઉપાડવા હાથલારી વપરાઈ, પણ ઘરમાં ચોરી થઈ
હૉસ્ટેલના કમ્પાઉન્ડની બાજુમાં રહેતો પટણી પરિવાર પણ આ હોનારતનો સાક્ષી છે. જ્યોત્સ્ના પટણીએ કહ્યું હતું કે અકસ્માત પછી મૃતદેહોને લઈ જવા માટે અમારી હાથલારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ આપત્તિ દરમ્યાન કોઈ અજાણ્યા માણસે મારી નાની દીકરીનાં લગ્ન માટે બચાવેલા પૈસા ચોરી લીધા હતા. આ ઉપરાંત નજીકમાં ફુટપાથ પર સૂતેલા ૧૩ વર્ષના કિશોર પટણીનું આ અકસ્માતમાં કરુણ મોત થયું હતું અને તેની માતા સીતાબહેન ગંભીર રીતે દાઝી ગયાં હતાં.
ભયાનક કાટમાળ અને માનસિક આઘાત
દુર્ઘટનાસ્થળે આજે પણ મેસની દીવાલમાં પડેલું મોટું ગાબડું અને વાંકી વળી ગયેલી ઓવરહેડ ટાંકી એ દિવસની ભયાનકતાની સાક્ષી પૂરે છે. છેલ્લાં ૧૬ વર્ષથી આ મેસમાં ટિફિન-સર્વિસ આપતા ૬૦ વર્ષના નરેશ પટેલ અને તેમનાં પત્ની દક્ષાબહેન એ દિવસે મેસના ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતાં. એ બનાવને યાદ કરીને નરેશભાઈ કહે છે, ‘મોટો ધડાકો થયો, ચારેય બાજુ ધૂળ ઊડી અને વિમાનનું પેટ્રોલ ફેલાવા લાગ્યું.’ બારીમાંથી કૂદીને જીવ બચાવવા દરમ્યાન દક્ષાબહેનને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. તેમને શારીરિક અને માનસિક આઘાત એટલો મોટો લાગ્યો હતો કે તેઓ એક મહિનો મહારાષ્ટ્ર પોતાના પિયર જતાં રહ્યાં હતાં. આજે પણ ઉપરથી મોટું વિમાન પસાર થાય ત્યારે નવી મેસમાં રસોઈ કરતી વખતે ગભરાઈને તેઓ બહાર દોડી આવે છે.