ઑમિક્રૉનના મામલે ગુજરાત પણ અલર્ટ

30 November, 2021 09:39 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આરોગ્ય વિભાગ ઍક્શનમાં, ઍરપોર્ટ પર ૧૨ દેશોમાંથી આવતા મુસાફરોનો ફરજિયાત રિપોર્ટ કરવામાં આવશે

સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ ઍરપોર્ટથી સ્વદેશ પાછા ફરવા માગતા મુસાફરો. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને તમામ દેશોને ફ્લાઇટ પર પ્રતિબંધ ન મૂકવા માટે અપીલ કરી છે.

સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવનાર નવા વેરિઅન્ટ ઑમિક્રૉનના પગલે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને ઍક્શનમાં આવી ગયો છે. એટલું જ નહીં પરંતુ એટ રિસ્કના જાહેર કરાયેલા ૧૨ દેશોમાંથી આવતા મુસાફરોનો ગુજરાતના ઍરપોર્ટ પર ફરજિયાત રિપોર્ટ કરવામાં આવશે. 
ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારી મનોજ અગ્રવાલે ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘કોરોનાનું સૌથી પહેલું સુરક્ષા કવચ વૅક્સિનેશન છે. વૅક્સિનેશનમાં પ્રથમ ડોઝ ૯૩ ટકાથી ઉપર થઈ ગયો છે. બીજો ડોઝ ૬૪ ટકા થયો છે અને ૬૪થી ૬૫ ટકા ફુલ્લી વૅક્સિનેટેડ છે. નવા વેરિઅન્ટની લોકો પર શું અસર રહેશે તેનો અભ્યાસ ડબ્લ્યુએચઓ કરી રહી છે. કેન્દ્ર સરકારે ગાઇડલાઇન મોકલી છે, એમાં એટ રિસ્કના ૧૨ દેશોને જુદા કર્યા છે. આ દેશોમાંથી ગુજરાતમાં જે મુસાફરો ઊતરે તેની સાથે કેવું ડીલ કરવું, આરટીપીસીઆર ટેસ્ટ કરવી, સ્ક્રીનિંગ કરવું તે નક્કી થઈને આવી ગયું છે અને તેનો અમલ ચાલુ કરી દીધો છે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે તમામ કાળજી અને પગલાં લેવાનાં થતાં હોય તે લેવામાં આવી રહ્યાં છે.’
ગુજરાતના જિલ્લાઓમાં લેવાઈ રહેલી તકેદારી બાબતે તેઓએ કહ્યું હતું કે ‘જિલ્લાઓમાં બેડ, ઑક્સિજન, દવા, પીપીઈ કિટ, સૅનિટાઇઝર, માસ્ક, સહિતની તૈયારીઓ ચાલુ છે. તમામ પાસાંઓ પર ગુજરાત સરકારે ચાંપતી નજર રાખી છે અને ઘણીબધી તૈયારીઓ થઈ છે. નવા વેરિઅન્ટને લઈને ફરીથી જિલ્લાઓને સાબદા કરવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સની મીટિંગ ચાલુ કરી દેવામાં આવશે.’
જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે તે મુદ્દે તેઓએ કહ્યું હતું કે ‘ઉદ્યોગ વિભાગ તમામ પાસાં સતત ધ્યાનમાં રાખશે અને સરકાર તેમાં ચાંપતી નજર રાખશે અને જે પગલાં લેવાનાં થતાં હોય તે સમયસર લેશે.’

gujarat gujarat news coronavirus covid19