ગુજરાતના બાઠીવાડા ગામે હોળીએ નહીં, પરંતુ ધુળેટીના દિવસે થયું હોલિકા દહન

30 March, 2021 03:16 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે હોળી પર્વની અનોખી રીતે ઉજવણી થતી આવી છે. 

હોલિકા દહન વખતે લાકડીઓ હાથમાં લઈને ઢોલના તાલે રમી રહેલા ગ્રામજનો.

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું બાઠીવાડા ગામ, એકમાત્ર એવું ગામ છે કે જ્યાં હોળીના દિવસે નહીં, પરંતુ ધુળેટીના દિવસે હોલિકા દહન થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ગઈ કાલે બાઠીવાડા ગામે ધુળેટીના દિવસે સવારે હોળી પ્રગટાવવામાં આવી હતી અને એનાં દર્શન માટે આસપાસના પાંચથી સાત કિલોમીટરના વિસ્તારમાં આવેલા ૧૨ મુવાડાના ગ્રામીણજનો ઊમટ્યાં હતાં અને ઢોલના તાલે લાકડીઓથી રમીને ઉત્સવ મનાવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે હોળી પર્વની અનોખી રીતે ઉજવણી થતી આવી છે. 
હોળી સમિતિના સભ્ય અને ગામના અગ્રણી ભીખાજી ઠાકોરે ધુળેટીના દિવસે થતા હોલિકા દહન વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી આ પ્રથા છે કે અમારે ત્યાં હોલિકા દહન હોળીના દિવસે નહીં, પરંતુ ધુળેટીના દિવસે થાય છે. હોળી જ્યાં પ્રગટાવવામાં આવે છે ત્યાં નીચે ખાડો ખોદીને માટીના ચાર લાડવા તેમ જ પાણી ભરેલો ઘડો મૂકવામાં આવે છે. માટીના આ લાડવા ભીના થાય એના પરથી વરસાદનો વરતારો થાય છે. આ ઉપરાંત હોળી જ્યાં પ્રગટાવીએ છીએ ત્યાં નીચે મૂકવામાં આવેલા ઘડાનું પાણી શુકનિયાળ મનાય છે અને એ પાણી દરેક ફળિયામાં આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પાણી આંખો પર લગાડવામાં આવે તો આંખો આવતી નથી એટલે કે કન્જક્ટિવાઇટિસનો રોગ થતો નથી. અહીં જે હોળી પ્રગટે છે એ લગભગ ૩૦ ફુટ ઊંચી હોય છે.’

gujarat ahmedabad national news shailesh nayak