આવતાં પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાનાં છે: મોદી

27 May, 2019 08:23 AM IST  |  અમદાવાદ

આવતાં પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાનાં છે: મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લોકસભાની ચૂંટણીમાં વિજયને પગલે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘મારી બીજી ટર્મનાં પાંચ વર્ષ ‘જનભાગીદારી અને જનચેતના’નાં છે. આપણે સામાન્ય નાગરિકોની સમસ્યાઓ ઉકેલવાની છે. આવતાં પાંચ વર્ષ વિશ્વસ્તરે ભારતની ઉચિત પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત કરીને રાષ્ટ્રને યોગ્ય ઊંચાઈએ પહોંચાડવા માટેનાં છે. ભારત છોડો આંદોલનના વર્ષ ૧૯૪૨થી આઝાદીના વર્ષ ૧૯૪૭ વચ્ચેનો સમય જેટલો મહત્ત્વનો હતો એટલો મહત્ત્વનો સમયગાળો આવતાં પાંચ વર્ષનો છે.’

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફૂલ-હાર કે પાઘડી પહેરાવ્યા વગર માત્ર ખેસ ઓઢાડીને તેમનું અભિવાદન કરતાં વડા પ્રધાનની તુલના સરદાર પટેલની સાથે કરી હતી. રૂપાણીએ લોકસભાની ચૂંટણીમાં બીજેપીના વિજયને સુરાજ્ય તથા સ્વરાજ્યની જીત ગણાવી હતી. કાર્યક્રમમાં બીજેપીના પ્રમુખ અને ગાંધીનગરના નવા ચૂંટાયેલા સંસદસભ્ય અમિત શાહે સુરતના કોચિંગ ક્લાસમાં આગ લાગવાને કારણે ટીનેજર્સની જાનહાનિ બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાહે નરેન્દ્ર મોદીએ દરેક ઘરમાં વિકાસ પહોંચાડ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાને સુરતની દુર્ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘મારું મન કર્તવ્ય અને કરુણા વચ્ચે દ્વિધામાં હતું. વિજયની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં એની અવઢવમાં હતો. સુરતની ઘટના ભલભલાનાં હૈયાં હચમચાવનારી છે. અનેક કુટુંબોના દીપક બુઝાયા અને પરિવારોનાં આશા-અરમાનો ભસ્મીભૂત થઈ ગયાં. એ ઘટના માટે જેટલું દુ:ખ વ્યક્ત કરીએ એટલું ઓછું છે. જે પરિવારો પર આફત તૂટી પડી છે તેમની સ્વસ્થતા માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. હાલના પ્રવાસનો મુખ્ય હેતુ માતાના આશીર્વાદ લેવાનો છે. ગુજરાતે મારા શિરે સ્નેહનો જે મેહુલો વરસાવ્યો છે એને વર્ણવવા માટે શબ્દો ટૂંકા પડે. આ ધરતીને નમન કરવા આવ્યો છું. જે જે. પી. ચોકમાં રહીને હું મોટો થયો એ ચોકને નિહાળવા અને ગુજરાતીઓનાં દર્શન કરવા આવ્યો છું. ૨૦૧૪માં દેશના લોકો સમક્ષ મારી ઓળખ ગુજરાતની વિકાસયાત્રાને કારણે ભીની થઈ હતી. ૨૦૧૯થી દેશ મને ઓળખતો થયો છે. ૨૦૧૪થી વિશ્વ ભારતને ઓળખતું થયું.’

જે. પી. ચોકના સાર્વજનિક કાર્યક્રમ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીની ખાનપુર ઑફિસનાં સંસ્મરણો તાજાં કરતાં જણાવ્યું હતું કે ‘૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ખાનપુરમાં વિજયસભા યોજાઈ હતી. ત્યાર પછી ૭ વર્ષે હું અહીં આવ્યો છું. પહેલાં અહીં બીજેપી કાર્યાલયમાં જલસો હતો. કેવો મજમો જામતો હતો! અહીં અશોકભાઈ સાથે દાળવડાં ખાધાં છે.’

સુરત ટ્રેજેડી : મોદી-શાહનો કાર્યક્રમ સાદગીથી પાર પડ્યો

લોકસભા ચૂંટણીમાં બીજેપીના જબરદસ્ત વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર રવિવારે ગુજરાત આવવાના હતા એના બે દિવસ પહેલાં જ સુરતમાં ફાયર ટ્રેજેડી થઈ. આથી જ પહેલાં મોદી-શાહના ભવ્ય આવકારની તૈયારી કરવામાં આવી હતી પણ આ નિર્ણયને બદલવામાં આવ્યો હતો અને એવું નક્કી કરાયું કે ગુજરાતમાં આ બે દિગ્ગજો જ્યારે આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો દારૂગોળાનો ઉપયોગ કરવામાં ન આવે સાથે જ ઢોલ-નગારા પણ શાંત રહ્યા. જીતની ઉજવણી સુરતની ઘટનાને ધ્યાનમાં રાખી ખૂબ જ શાંત વાતાવરણમાં કરવામાં આવી. આમ સાદગીભર્યો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સંબોધી જનસભા કહ્યું,'અહીંથી સંગઠનના સંસ્કાર મળ્યા'

વડા પ્રધાન હીરાબાને પગે લાગ્યા

બીજી વખત ભારતના વડા પ્રધાનપદની શપથવિધિના ચાર દિવસ પૂર્વે નરેન્દ્ર મોદીએ માતુશ્રી હીરાબાને પ્રણામ કરીને આશીર્વાદ લીધા હતા. ગઈ કાલે સાંજે વડા પ્રધાનનાં વાહનોનો કાફલો હીરાબાને ઘરે જઈ રહ્યો હતો ત્યારે અભિવાદન માટે રસ્તાની બન્ને બાજુ હજારો ચાહકો, પ્રશંસકો અને ટેકેદારો કતારમાં ઊભા હતા.

narendra modi ahmedabad gujarat