ગુજરાતની ‘સહકારથી સમૃદ્ધિ’માં જોડાશે નરેન્દ્ર મોદી અને અમિત શાહ

26 May, 2022 10:14 AM IST  |  Mumbai | Shailesh Nayak

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ગૃહ પ્રધાન આઇપીએલની ફાઇનલ મૅચનો રોમાંચ માણશે

પીએમ મોદી અને અમિત શાહ


અમદાવાદ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક મંચ પર સાથે જોવા મળશે. એટલું જ નહીં, અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને અમિત શાહ આઇપીએલની ફાઇનલ મૅચનો રોમાંચ માણશે.
ગુજરાતના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. સવારે તેઓ જસદણમાં મલ્ટિ સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલનું લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. જસદણથી તેઓ ગાંધીનગર આવશે, જ્યાં મહાત્મા મંદિરમાં યોજાનારા ‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનમાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.
તેઓએ કહ્યું હતું કે અમિત શાહ ૨૭, ૨૮ અને ૨૯ મે દરમ્યાન ગુજરાતની મુલાકાત લેશે. તેઓ અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરામાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ ટુનાર્મન્ટની ફાઇનલ મૅચ નિહાળશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં બનનાર સ્પોર્ટ્‍સ સંકુલનું અમિત શાહ રવિવારે ભૂમિપૂજન કરશે.

gujarat news narendra modi amit shah