બાપ તરીકે ખરો નો ઊતરું તો સમાધિ લઈશઃ મોરારિ બાપુ

17 January, 2019 09:01 AM IST  |  તલગાજરડા | રશ્મિન શાહ

બાપ તરીકે ખરો નો ઊતરું તો સમાધિ લઈશઃ મોરારિ બાપુ

ગણિકા કલ્યાણ ફંડ આપતા મોરારિ બાપુ

ગઈ કાલે તલગાજરડાના ચિત્રકૂટધામમાં મોરારીબાપુએ ગણિકાઓની હાજરીમાં ગણિકાઓ માટે એકત્રિત કરવામાં આવેલું ફન્ડ દેશની અનેક સામાજિક સંસ્થાઓને આપીને એ ફન્ડ ગઈ કાલે જ ગણિકાઓને આપી દેવાનું સદ્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારીબાપુએ વધુ એક વખત કહ્યું હતું કે ‘અયોધ્યામાં કરેલી માનસ ગણિકા મારે મન કુંભસ્નાન સમાન છે. અહીં બેઠેલી એકેએક ગણિકા મારી દીકરી છે અને મારી તેમના માટે બાપ તરીકેની ફરજ છે. તમને ક્યારેય એમ થાય કે અમારે ક્યાં જાવું? તો તલગાજરડા આવી જાજો. આ બાપનું ઘર છે. પૂરું માન, પૂરું સન્માન મળશે. બાપ તરીકે ખરો નો ઊતરું તો સમાધિ લઈશ બાપ, પણ ક્યારેય આ ઘરને પારકું ઘર ગણતા નઈ.’

અયોધ્યામાં યોજાયેલી માનસ ગણિકા રામકથા સમયે જે ધન એકઠું થયું હતું એ રકમમાં અગિયાર લાખ રૂપિયાનું ફન્ડ બાપુ તરીકે ઉમેરવામાં આવ્યા પછી કુલ 6,92,58,695 રૂપિયાનું ગણિકા કલ્યાણ ફન્ડ એકઠું થયું હતું જે મોરારીબાપુએ એવી તમામ સંસ્થાઓને અર્પણ કર્યું જે ગણિકાના કલ્યાણાર્થે કામ કરે છે. મોરારીબાપુએ કહ્યું હતું કે ‘કન્યા સનાતન સત્ય છે. આ દીકરીઓનો સમાજે તિરસ્કાર કર્યો, પણ તેમણેય કોઈના માટે લાગણી દેખાડી એ જ પ્રેમ છે, તેમણે કોઈના માટે આંસુ પાડ્યાં એ કરુણા છે અને આજે પણ તેઓ જીવનનર્વિાહ માટે ઝઝૂમે છે એ સત્ય છે. આ સત્ય, પ્રેમ અને કરુણા જ જીવન છે જેને હવે ઉજાગર કરવાનું છે.’

આ પણ વાંચોઃ અયોધ્યામાં સેક્સવર્કર્સ સમક્ષ મોરારીબાપુની રામકથાથી નારાજ હિન્દુત્વવાદી સંસ્થાઓએ CMને ફરિયાદ કરી

ગઈ કાલના આ કાર્યક્રમમાં મુંબઈ, કાનપુર, ગ્વાલિયર, રાજકોટ અને કલકત્તાની ગણિકાઓથી ઉપસ્થિત રહી હતી. ગઈ કાલના આ ફંકશનમાં મોરારીબાપુએ વધુ એક વખત કહ્યું હતું કે ‘જો કોઈ ગણિકાને લગ્ન કરવાં હશે તો તેણે ચિત્રકૂટધામમાં જાણ કરવાની રહેશે. દર કારતક માસમાં અહીં લગ્ન થાય છે એમાં આ દીકરીનાં લગ્ન પણ ધામધૂમથી કરવામાં આવશે.’

gujarat news