અયોધ્યામાં સેક્સવર્કર્સ સમક્ષ મોરારીબાપુની રામકથાથી નારાજ હિન્દુત્વવાદી સંસ્થાઓએ CMને ફરિયાદ કરી

Published: 24th December, 2018 18:08 IST

પ્રખર રામકથાકાર મોરારીબાપુની મુંબઈમાં સેક્સવર્કર્સ સમક્ષ રામકથાને શહેરના લોકોનો આવકાર મળ્યો હતો, પરંતુ અયોધ્યામાં સેક્સવર્કર્સ સમક્ષ બાપુની રામકથાથી હિન્દુત્વવાદી સંસ્થાઓ રોષે ભરાતાં એમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ફરિયાદ કરી હતી.

વ્યાસપીઠ પર બેઠેલા મોરારિ બાપુ
વ્યાસપીઠ પર બેઠેલા મોરારિ બાપુ

મુંબઈના રેડ લાઇટ એરિયા કામાઠીપુરામાં સેક્સવર્કર્સ સમક્ષ મોરારીબાપુએ રામકથા વાંચ્યા પછી એ મહિલાઓ અયોધ્યાના બડા ભક્તમાલ ખાતે બાપુની રામકથા સાંભળવા પહોંચી હતી. શનિવારે મુંબઈથી અયોધ્યા પહોંચેલી ૨૦૦ સેક્સવર્કર્સને મોરારીબાપુએ સંત તુલસીદાસની માનસગણિકા વાંચી સંભળાવી હતી. સેક્સવર્કર મહિલાઓ અયોધ્યામાં રામકથા સાંભળીને સન્માન તથા આનંદની ભાવના દર્શાવતી હતી. 

જોકે ડંડિયા મંદિરના મહંત ભારત વ્યાસે જણાવ્યું હતું કે ‘ભગવાન રામની જન્મભૂમિ પર સેક્સવર્કર્સ આવવાથી લોકોમાં ખોટો સંદેશ ફેલાય છે. શ્રદ્ધાળુઓ આ પવિત્ર શહેરમાં પાપ ધોવા માટે આવે છે.’

જ્યોતિષ શોધ સંસ્થાનના પ્રમુખ પ્રવીણ શર્માએ જણાવ્યું હતું કે ‘મોરારીબાપુએ સેક્સવર્કર્સને રામકથા સંભળાવવાની ઘટનાની ફરિયાદ મેં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને કરી છે. બાપુ સેક્સવર્કર્સના જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છતા હોય તો તેમણે રામકથાનો ખર્ચ કરવાને બદલે ગરીબ અને વંચિત મહિલાઓને આર્થિક સહાય કરવી જોઈએ.’ 

ધર્મસેનાના પ્રમુખ અને બાબરી મસ્જિદ કેસના આરોપી સંતોષ દુબેએ જણાવ્યું હતું કે ‘મોરારીબાપુ અયોધ્યા શહેરની પવિત્રતા ભ્રષ્ટ કરી રહ્યા છે. જો બાપુ સમાજમાં પરિવર્તન લાવવા ઇચ્છતા હોય તો તેમણે માઓવાદીઓના વર્ચસવાળા પ્રાંતોમાં તેમ જ રેડ લાઇટ એરિયામાં રામકથાઓ યોજવી જોઇએ.’

અયોધ્યાના વાચક મહંત પવનદાસ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘વિશ્વામિત્ર અને નારદ મહિલાઓની અસરથી બચી શક્યા નથી. અયોધ્યામાં તેમની હાજરીનો એકદમ સ્વીકાર શક્ય નથી.’

મોરારીબાપુ શું કહે છે?

હિન્દુત્વવાદી સંસ્થાઓના ઊહાપોહથી વિચલિત થયા વગર મોરારીબાપુએ જણાવ્યું હતું કે ‘સંત તુલસીદાસે રામાયણમાં ગણિકાઓના જીવનપરિવર્તનના પ્રયાસોની આવશ્યકતા વિશે વાત કરી છે. વિરોધ થાય તો પણ હું વંચિત સમાજના મુદ્દા ઊભા કરતો રહીશ, કારણ કે ભગવાન રામનું જીવન લોકોને સ્વીકારવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા પર આધારિત હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK