ગીરમાં 4 ઈંચ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

18 June, 2019 01:08 PM IST  |  રાજકોટ

ગીરમાં 4 ઈંચ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ ગુજરાત માટે સારા સમાચાર છે. આખા ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાઈ ચૂક્યુ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સમાચાર આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો નદી નાળા પણ છલકાયા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ગીરમાં નદીઓમાં નવા નીર આવ્યા છે. તો અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો.

મધ્ય ગુજરાતમાં મેઘમહેર

અમદાવાદમાં વહેલી સવારથી જ અમદાવાદ અને ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોમં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જેને કારણે બંને જગ્યાએ ઠંડક પ્રસરી હતી. તો સાથે સાથે મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાત વરસાદથી ભીંજાઈ રહ્યું છે. મહીસાગરના બાલાસિનોરમાં 16 મિમી, સંતરામપુરમાં 10 મિમી, ખાનપુરમાં 6 મિમી અને પેટલાદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર થયું સરાબોર

તો સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી વાતાવરણ જામી ચૂક્યુ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ઉના અને ગીરમાં છેલ્લા 12 કલાકમાં 4 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. તો દીવમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ગીરગઢડાની શાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

તો અમરેલી અને રાજુલામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથમાં જિલ્લામાં 2થી 3 ઇંચ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં અનરાધાર

ઉત્તર ગુજરાત પણ કોરું નથી રહ્યું. મેઘ રાજા ઉત્તર ગુજરાત પર પણ મહેરબાન થયા છે. ઉત્તર ગજુરાતાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદ પડ્યો છે. પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ વરસાદી મોસમમાં કવિતાની આ પંક્તિઓ સ્ટેટસમાં કરી શકો છો શૅર

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો વરસ્યો

તો દક્ષિણ ગુજરાત પણ વરસાદી વાતાવરણમાં ભીંજાઈ રહ્યું છે. સુરતથી લઈ ડાંગ, નવસારી સુધી વરસાદી માહોલ છવાયો છે. સુરત, કામરેજ, પારડી, ચિખલી, ખેરગામ અને નવસારીમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે.

gujarat news saurashtra