વરસાદી મોસમમાં કવિતાની આ પંક્તિઓ સ્ટેટસમાં કરી શકો છો શૅર

Published: Jun 18, 2019, 11:46 IST | અમદાવાદ

આ શબ્દો જો કવિતાના રૂપમાં મળે તો તો ચાર ચાંદ લાગી જાય. એમ પણ કહેવાય છે કે ચોમાસામાં બિલાડાના ટોપની જેમ કવિ પણ ફૂટી નીકળતા હો છે.

ચોમાસુ લગભગ લગભગ શરૂ થઈ ચુક્યુ છે. મસ્ત મસ્ત વાદળછાયું વાતાવરણ જામી ચૂક્યુ છે. અને ચોમાસું એટલે રોમાન્સની ઋતુ. અને રોમાન્સ વ્યક્ત કરવા માટે શબ્દો જોઈએ. આ શબ્દો જો કવિતાના રૂપમાં મળે તો તો ચાર ચાંદ લાગી જાય. એમ પણ કહેવાય છે કે ચોમાસામાં બિલાડાના ટોપની જેમ કવિ પણ ફૂટી નીકળતા હો છે. જો કે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક પસંદગીની ખાસ કવિતાઓ. ગુજરાતી સાહિત્યના શિરમોર કવિઓની કવિતાઓની આ પંક્તિઓ તમે ચોમાસામાં ગણગણી શક્શો એટલું જ નહીં જો સોશિયલ મીડિયા પર મૂક્શોને તો લાઈક્સના ઢગલા થઈ જશે.

1)

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

                                  - ખલીલ ધનતેજવી

આ પંક્તિઓ ગુજરાતી કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીના. કવિ ખલીલ ધનતેજવીની કવિતા 'નહીં ફાવે'ની આ વરસાદને લગતી બે પંક્તિઓ ખૂબ જ ફેમસ છે. અને શક્ય છે કે તમને પણ તમારા ફ્રેન્ડ્ઝની વૉલ પર તે વાંચવા મળી શકે છે. તો રાહ ન જુઓ જેવો વરસાદ પડે કે તરત જ તમે પણ આ તમારા ગમતા વ્યક્તિને મોકલીને ઈમ્પ્રેસ કરી શકો છો.


2)
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
                                                 - તુષાર શુક્લ

કવિ શ્રી તુષાર શુક્લની કલમેથી જો વરસાદ નીતરે તો પછી આવો જ નીતરેને. તુષાર શુક્લની સંખ્યાબંધ કવિતાઓની જેમ આ કવિતા પણ જબરજસ્ત લોકપ્રિય થઈ છે. ખાસ કરીને આ કવિતા તમે ચોમાસું શરૂ થતા પહેલા સ્ટેટસમાં મૂક્શો તો વધારે જામશે. એમાંય હજી આપણે ત્યાં ક્યાં ચોમાસું બેઠું છે. તો ઈશારા ઈશારામાં વરસાદના બહાને લાગણી વ્યક્ત કરવા તુષાર શુક્લના શબ્દો ઉપયોગી સાબિત થઈ શકે છે.

3)
પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને,
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું…
                                        - કૃષ્ણ દવે

કૃષ્ણ દવે પોતાના અંદાજ માટે જાણીતા છે. કવિતામાંય ધારદાર શબ્દો કેવી રીતે આવે એ તો કૃષ્ણ દવે જ લખી જાણે. અને જો તમારે ચોમાસાની ઘટનાઓને લઈ કોઈના પર કટાક્ષ કરવો હોય તો એમને ટેગ કરીને બસ આ કવિતા પોસ્ટ કરી દો. બાકીનું કામ કૃષ્ણ દવેના શબ્દો જ કરી નાખશે. (કદાચ તમારી છત્રી પણ પાછી આવી શકે !!!)

4)

જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ , હું કરું કોને પેશ ચોમાસું
ખોલીને મેઘદૂત વાંચ્યા કર , હાથવગું છે હમેશ ચોમાસું
                                         – મનોજ ખંડેરિયા

ચોમાસું આવે અને કાલિદાસનું મેઘદૂત યાદ ન કરીએ એવું તો કેમ ચાલે. જે વાદળો સાથે કાલિદાસે સંદેશા મોકલીને મેઘદૂત જેવી રચના આપી અને અમર થઈ ગયા. તેને આપણા કવિઓ હજી પણ યાદ કરી રહ્યા છે. મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ પણ તમે શૅર કરી શકો છો.

aashiqui

5)
બારીની જેમ બંધ છું, જડબેસલાક છું
પલળી રહેલ ગામમાં કોરોકટાક છું
                       - મિલિંદ ગઢવી

યુવા પેઢીના જાનદાર કવિ મિલિંદ ગઢવીના શબ્દોમાં પણ કંઈક ગજબની તાકાત છે. મિલિંદ ગઢવીની આ પંક્તિઓ પર્સનલી મારી ખૂબ જ ફેવરિટ છે. અને તમે પણ જો આવું કંઈક ફીલ કરતા હો, પોસ્ટ કરી દો ફટાફટ આ પંક્તિઓ.

આ પણ વાંચોઃ ચોમાસામાં ખાઓ આ ગુજરાતી વાનગીઓ, પડી જશે લહેજત

6)

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

                              – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની નવલકથાઓની સાથે સાથે તેમની કવિતાઓ પણ અદભૂત છે. જેમ નવલકથાઓમાં તેઓ અદભૂત રીતે કુદરતને સાંકળે છે, તેમ કવિતામાંય સાંકળી લીધી છે. અને ધ્રુવ ભટ્ટ લખે ત્યાં ગામનું વાતવરણ તો હોય જને. એટલે તમને પણ જો તમારું ગામ યાદ આવતું હોય તો આ કવિતા બેસ્ટમ બેસ્ટ છે.

geela geela

7)
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
                                     – શ્રી રમેશ પારેખ

વરસાદમાં ર.પા.ની આ કવિતા યાદ ન કરીઓ તો નગુણા કહેવાઈએ. તમને સાહિત્યમાં રસ હોય કે ન હોય આ કવિતા તમે ક્યારેક તો ક્યાંક વાંચી જ હશે. ચોમાસામાં જો તમારે વરસાદી સ્ટેટસ મુકવું હોય તો આખેઆખી રમેશ પારેખની કવિતા છે, એમાંથી કોઈ પણ પંક્તિ વાંચીને શૅર કરી દો તમતમારે.

08)
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.
                                       - હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેના શબ્દોમાં પણ કંઈક અજબ તાકાત છે. તેમની કવિતાઓનું ફેન ફોલોઈંગ મોટી સંખ્યામાં છે. તેમાં વરસતા જઈએ વાળી પંક્તિ વાંચીને તો વાહ જ પોકારી ઉઠાય.

09)
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
                                          - ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ વરસાદી વાતાવરણ આ ગીતમાં અદભૂત રીતે ઝીલ્યું છે. જો તમારું બાળપણ ગામમાં ગયું હોય અને તમે ખેતરોમાં ઝીલ્યો હોય, તો ગીતના શબ્દો તમને પાછા ત્યાં પહોંચાડી દેશે. અને જો તમે નથી જોયું, તો તમને અફસોસ જરૂર કરાવશે. મેઘાણીસાહેબે આ ગીત રવિન્દ્રનાથ ટાગોરના ગીત નવી વર્ષા પરથી અનુવાદ કરીને ગુજરાતી ભાષામાં ઉતાર્યું છે.

10)
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
                  - હરીન્દ્ર દવે

આ પણ વાંચોઃ રોમેન્ટિક વાતાવરણમાં પાર્ટનરને અહીં કરાવો ડિનર, થઈ જશે ખુશખુશાલ

હરીન્દ્ર દવેની વધુ એક કવિતા જેમાં વરસાદ અને પ્રેમ મસ્ત મસ્ત રીતે અભિવ્યક્ત થયો છે. પહેલા વરસાદમાં જો તમને પણ કોઈક સમવન સ્પેશિયલ યાદ આવતું હોય તે ટેગ કરો એમને અને મૂકી દો હરીન્દ્ર દવેના આ શબ્દો. તમારે જે કહેવું છે એ બિલકુલ દિલ સુધી પહોંચી જશે.

11)
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
                   - હરીન્દ્ર દવે

વરસાદ માટે હરીન્દ્ર દવે ખાસ કવિતાઓ લખી ગયા છે. આ પંક્તિઓ તેમની જાણીતી કવિતા જાણીબૂઝીને અમે અળગા ચાલ્યા કવિતાની છે. આમાં પણ વરસાદ અને યાદોનું મિશ્રણ છે. આ કવિતા પણ તમે તમારી વૉલ પર પોસ્ટ કરી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK