આને કહેવાય સમજણપૂર્વકનો વિરોધ

22 September, 2022 08:52 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

માલધારીઓએ ગઈ કાલે ગુજરાતમાં દૂધની હડતાળ પાડતાં ૪૫ લાખ લિટર દૂધ અટક્યું, પશુપાલકોએ ક્યાંક ગરીબોમાં દૂધ વિતરણ કર્યું તો ક્યાંક કૂતરાને દૂધ પીવડાવીને કર્યો વિરોધ

અમદાવાદમાં માલધારી સમાજે ખીર બનાવીને લોકોને પીવડાવી હતી

ગુજરાતમાં ગઈ કાલે માલધારીઓએ દૂધની હડતાળ પાડી હતી જેના કારણે અંદાજે ૪૫ લાખ લિટર દૂધ અટક્યું હતું અને દૂધ મંડળીઓમાં દૂધની આવક ઓછી થઈ હતી. માલધારીઓએ ગઈ કાલે સરકાર સામે અનોખી રીતે વિરોધ કરતાં ક્યાંક ગરીબોમાં દૂધ વિતરણ કર્યું હતું તો ક્યાંક ખીર બનાવીને નાગરિકોને ખવડાવીને તો ક્યાંક કૂતરાને દૂધ પીવડાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં, ભરૂચમાં નર્મદા નદીમાં અને સુરતમાં તાપી નદીમાં દૂધ વહેવડાવી વિરોધ કર્યો હતો.

ગુજરાત સરકારે ગઈ કાલે વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબતનું વિધેયક પાછું ખેંચ્યું હોવા છતાં પણ ઢોર નિયંત્રણના મુદ્દે ગૌચર ખાલી કરાવો સહિતના ૧૦ જેટલા મુદ્દાઓના ઉકેલની માગણી સાથે ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, રાજકોટ, જેતપુર, જામકંડોરણા, ભાભર, લાખણી, મહેસાણા, માલપુર, છોટાઉદેપુર, ગણદેવી સહિતનાં નાનાં-મોટાં શહેરો અને ગામડાંઓમાં માલધારી સમાજે દૂધની હડતાળ પાડી હતી. માલધારી સમાજે દૂધ મંડળીઓમાં દૂધ ભરાવ્યું નહોતું અને એનો બગાડ નહીં કરતાં સરકારી હૉસ્પિટલ અને ગરીબોમાં વહેંચ્યું હતું. રાજકોટ હાઇવે પર અને લાખણીમાં દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. બીજી તરફ સુરતમાં અડાજણ વિસ્તારમાં ડેરીમાં ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના બની હતી.

વડોદરામાં કૂતરાઓને દૂધ પીવડાવવામાં આવ્યું હતું

ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ ‘મિડ ડે’ને કહ્યુ હતું કે ‘ગુજરાતમાં અમારી દૂધ હડતાળ સફળ રહી છે. હડતાળના પગલે ગુજરાતમાં અંદાજે ૪૫ લાખ લિટર દૂધ અટક્યું હતું. અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં રાહદારીઓને દૂધની ખીર બનાવીને ખવડાવી હતી તો અન્ય શહેરોમાં અને ગામડાંઓમાં સરકારી હૉસ્પિટલોમાં દરદીઓને તેમ જ ચાલીઓમાં જઈને ગરીબ નાગરિકોમાં નિઃશુલ્ક રીતે દૂધ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત કેટલીક જગ્યાઓએ કૂતરાઓને પણ દૂધ પીવડાવવામાં આવ્યું હતું.’ 

gujarat gujarat news shailesh nayak