સનાતની સંતો અને જૈનાચાર્યોની કાલે પાલિતાણામાં મીટિંગ

07 January, 2023 08:41 AM IST  |  Mumbai | Ruchita Shah

આપસી મતભેદો ભૂલીને એકતાની દિશામાં શું કરી શકાય એ માટે સૌહાર્દ મૈત્રી મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એમાં પાલિતાણા તીર્થના કર્તાહર્તા આણંદજી કલ્યાણજી પેઢી કે જૈન શ્રેષ્ઠીઓને સામેલ કરવામાં નથી આવ્યા

આચાર્યશ્રી પ્રદ્યુમ્ન વિમલસૂરિજી મહારાજ


પાલિતાણા : પાલિતાણા તીર્થ પર આફત આવેલી જાણ્યા પછી આજે પણ ઘણા જૈનોમાં આક્રોશનો માહોલ છે ત્યારે સંત સમાજ આપસી મતભેદોમાં વહેલી તકે પૂર્ણવિરામ મુકાય અને શાંતિપૂર્ણ રીતે વિચારોનું આદાનપ્રદાન કરીને ઉપયુક્ત માર્ગ નીકળે એવા પ્રયાસો સાથે આગળ વધી રહ્યો છે. પાલિતાણામાં બિરાજમાન અગ્રણી આચાર્ય ભગવંતો અને સનાતન સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા આ દિશામાં વિચાર-વિમર્શ કરવા માટે એક વિશિષ્ટ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે  પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન વિમલસૂરિ મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે અગિયાર વાગ્યે મૌડી ભવનમાં તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી મનોહર કીર્તિસૂરિ મહારાજ, તીર્થરક્ષાના કન્વીનર રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિ મહારાજ, પ્રવર સમિતિના ગચ્છાધિપતિ હેમચંદ્રસૂરિ મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરિ મહારાજ જેવા મોટા ભાગના આચાર્ય મહારાજ આ સૌહાર્દપૂર્ણ વાતચીત કરવાના ધ્યેયથી મૈત્રી મિલનમાં હાજર રહેશે અને સાથે શ્રી શરણાનંદ બાપુ સહિત ગિરનારથી કેટલાક અન્ય સાધુઓ પણ આવવાના છે. પરસ્પરના વિચારોને એક મંચ પર જાણવાનો આ પ્રયાસ છે.

આ પણ વાંચો:શત્રુંજય તીર્થમાં તોડફોડ : જૈન સમાજ ભડક્યો

જૈનોની અગ્રણી સમિતિઓ જેમ કે પ્રવર સમિતિ, સ્થવિર સમિતિ છે એ અંતર્ગત વિચારોના આદાન-પ્રદાનથી જે પણ ફળશ્રુતિ નીકળશે એ અમે પેઢી અને સમાજના લોકો સાથે શૅર કરીશું. જૈન સાધુ સમાજ વ્યવસ્થાપનો કે વહીવટ તો કરતો નથી એટલે વિચારોનું આદાન-પ્રદાન એ એક જ ધ્યેય છે. આ કોઈ નિર્ણય લેવા માટે કે કોઈ સમાધાન માટે અમે મિલન ગોઠવ્યું નથી. હા, એટલું ચોક્કસ છે કે વાતચીતનો સાર જો સમાજોપયોગી હશે તો એને સમાજ સુધી પહોંચાડવાનું અમારું કામ છે. એ પછીનો નિર્ણય તો સરકારશ્રી અને પેઢીએ જ લેવાનો છે.’ પ્રેમથી સંતો સાથે બેસીને તીર્થના મહિમાને આંચ ન આવે એ રીતે પરસ્પરની શ્રદ્ધાનું માન જાળવીને આગળ વધવાના પ્રયાસ કરવામાં આવશે.

gujarat news bhavnagar ruchita shah