શામળાજી મંદિર-ગર્ભગૃહનું પ્રવેશદ્વાર સોનાથી મઢાયું

15 May, 2022 08:50 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદના ભાવિકે ભગવાન પ્રત્યેની આસ્થાથી કાળિયા ઠાકરના ચરણે ધરી ભેટ: સોનાના પતરાથી મઢેલા દરવાજા પર ભગવાનના વામન, કલગી, નરસિંહ સહિતના અવતારને કંડારવામાં આવ્યા છે

શામળાજીમાં આવેલા શામળિયાજી ભગવાનના ગર્ભગૃહનું સોનાના પતરાથી મઢેલું પ્રવેશદ્વાર

ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીના ગર્ભગૃહના પ્રવેશદ્વારને સોનાના પતરાથી મઢીને અર્પણ કરવામાં આવ્યું છે. સોનાના પતરાથી મઢેલા દરવાજા પર ભગવાનના વામન, કલગી, નરસિંહ સહિતના અવતારને કંડારવામાં આવ્યા છે.

શ્રી શામળાજી વિષ્ણુમંદિર ટ્રસ્ટના મૅનેજર કનુ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદના ભાવિક કાબાભાઈ રબારીએ ભગવાનને સોનાના દ્વાર ભેટ ચઢાવ્યા છે. નીજ મંદિરના ગર્ભગૃહમાં આવેલા પ્રવેશદ્વાર પર સોનું જડીને અર્પણ કરવામાં આવ્યા છે. આ દ્વાર પર લાકડાની ઉપર સોનાનું પતરું ચઢાવીને દ્વાર તૈયાર કરાયા છે. ભાવિકની કોઈ બાધા કે માનતા નહોતી, પણ શ્રદ્ધાથી અને ભાવપૂર્વક શામળાજી ભગવાનના ગર્ભગૃહના દ્વારને સોનાથી મઢી આપ્યા છે. આ ભાવિક મંદિરમાં વર્ષોથી પૂનમ ભરે છે. આ પહેલાં તેઓએ મુગટ પણ ધર્યો હતો અને સિંહાસન પણ બનાવ્યું હતું.’

gujarat gujarat news shailesh nayak