સોમનાથમાં માત્ર પચીસ રૂપિયામાં કરો મહામૃત્યુંજય યજ્ઞ

10 August, 2022 09:50 AM IST  |  Mumbai | Shailesh Nayak

શ્રાવણની શરૂઆતથી અત્યાર સુધીમાં પાંચેક હજાર ભાવિકોએ લીધો લાભ

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મહામૃત્યુંજય યજ્ઞનો લહાવો લઈ રહેલા ભાવિકો.

અમદાવાદ ઃ ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં માત્ર પચીસ રૂપિયામાં ભાવિકો ભાવપૂર્વક મહામૃત્યુંજય યજ્ઞ કરી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથદાદાનાં દર્શન કરવા સાથે દેવાધિદેવના સાંનિધ્યમાં શ્રાવણની શરૂઆતથી અત્યાર સુધી પાંચેક હજાર ભાવિકોએ આ યજ્ઞમાં બેસીને આહુતિ અર્પીને ધન્યતા અનુભવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ માત્ર પચીસ રૂપિયામાં ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞ કરાવી રહ્યું છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં સોમનાથ તીર્થના પૂજારીઓ વિધિવિધાન સાથે આ યજ્ઞ કરાવી રહ્યા છે અને તલ સ‌હિતની આહુતિ મંદિર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, જેના કારણે દરેક નાગરિકો મહામૃત્યુંજય યજ્ઞ કરી રહ્યા છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રાવણ મહિનાની શરૂઆતથી ભાવિકો 
માટે મહામૃત્યુંજય યજ્ઞ શરૂ કરાવ્યો છે. આ 
લઘુ યજ્ઞ છે જેમાં ભાવિકો પોતે આહુતિ 
અર્પણ કરી શકે છે. રોજ સવારે આરતી થયા પછી સાંજે ૬ વાગ્યા સુધી મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ યજ્ઞને સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૫૦૦૦ જેટલા ભાવિકો આ યજ્ઞમાં જોડાયા છે. માત્ર પચીસ રૂપિયામાં આ યજ્ઞ થઈ શકતો હોવાથી દરેક વ્યક્તિને એનો લહાવો મળી શકે છે.’

gujarat ahmedabad gujarat news