ગુજરાતમાં ૭ મેએ મતદાન

17 March, 2024 08:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પણ યોજાશે પેટાચૂંટણી, ચૂંટણીપંચે વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર ન કરી

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી સહિતના અધિકારીઓએ ચૂંટણીની માહિતી જાહેર કરી હતી

દેશના ચૂંટણીપંચે સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે ત્યારે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન ૭ મેએ યોજાશે. જોકે એક યા બીજાં કારણસર વિસાવદર વિધાનસભા બેઠકની જાહેરાત ચૂંટણીપંચે કરી નથી.

ગુજરાતમાં ૨૬ લોકસભાની ચૂંટણીની સાથે વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ પાંચ બેઠકો ઉપરાંત વિસાવદર બેઠક પરથી પણ વિધાનસભ્યે રાજીનામું આપ્યું હતું, પરંતુ ચૂંટણીપંચે આ બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. BJPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશપ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે વિસાવદરના મુદ્દે ચૂંટણીપંચમાં રજૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે BJPએ બાવીસ બેઠકો માટે તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરીને બે બેઠકો પરથી તેમના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કૉન્ગ્રેસે ૨૪ બેઠકો પૈકી ૭ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે ૨૧૭ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન-મથક તૈયાર કરવામાં આવશે

અનુરાધા પૌડવાલ જોડાયાં BJPમાં

વિખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ગઈ કાલે દિલ્હીમાં BJPમાં જોડાયાં હતાં. પાર્ટીના હેડક્વૉર્ટરમાં તેમને વિધિવત‍્ પક્ષપ્રવેશ આપવામાં આવ્યો હતો.

Lok Sabha Election 2024 Lok Sabha election commission of india gujarat gujarat news ahmedabad