અલ્યા જુવાનિયાઓ સાંભળો ૧૦.૩૦ પહેલાં મતદાન કરીએ તો ગરમી ન લાગે

19 April, 2024 07:27 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

અમિત શાહે ગઈ કાલે અમદાવાદમાં રોડ-શો કરીને વોટિંગના દિવસે ગરમીથી બચવાનો ઉપાય સૂચવ્યો

અમિત શાહે કરેલો રોડ-શૉ

કેન્દ્રીય પ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અમિત શાહે ગઈ કાલે ત્રણ તબક્કામાં રોડ-શો કર્યો હતો. પહેલાં સાણંદ અને પછી કલોલ બાદ નમતી સાંજે અમદાવાદમાં રોડ-શો કરીને વેજલપુરમાં જનસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘ગુજરાતની છવ્વીસેછવ્વીસ બેઠકો ફરી એક વાર હૅટ-ટ્રિક કરીને નરેન્દ્ર મોદીની ઝોળીમાં નાખવાની છે.

ભારતના ઉત્થાન માટે કાશ્મીરથી કન્યાકુમારી અને કામાખ્યાથી દ્વારકા સુધીના ભારતને સુરક્ષિત કરવા માટે, ભારતને સમગ્ર વિશ્વમાં એક નંબરનું બનાવવા માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે.’

સભાને સંબોધતાં અમિત શાહે કહ્યું કે ‘ભાઈઓ અને બહેનો, સાતમી તારીખે મતદાન છે. એ દિવસે ભયંકર ગરમી હશે. ગરમીથી બચવાનો રસ્તો બતાવું છું. અલ્યા જુવાનિયાઓ સાંભળો, સવારે સાડાદસ વાગ્યા પહેલાં મતદાન કરીએ તો ગરમી ન લાગે, માટે સવારે સાડાદસ વાગ્યા પહેલાં મતદાન કરવાનું છે. બધા રેકૉર્ડ તોડવા માટે પણ ઘણાએ કહ્યું છે તો પાંચ-પચીસ હજારથી રેકૉર્ડ તૂટે? તો રેકૉર્ડ તોડવા શું કરવાનું? ધ્યાનથી સાંભળો, આ સભા પતે પછી તરત બધાએ પોતપોતાનાં ૨૫ સગાંઓને, માતા-પિતા, ભાઈ-ભાભી, કાકા-કાકી, ફઈ-ફુઆ, મામા-મામી તથા તમારા ભાઈબંધને ફોન કરીને કમળ પર બટન દબાવવાનું કહેવાનું છે. આજે તમારા આશીર્વાદ પ્રાપ્ત કરીને આવતી કાલે હું ઉમેદવારી ફૉર્મ ભરવા જવાનો છું.’

amit shah gandhinagar Lok Sabha Election 2024 gujarat gujarat news