27 October, 2026 10:49 AM IST | Dwarka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ઓછો અને વિલંબિત વરસાદ ધરાવતા કચ્છ સહિત ૪ જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે આ જાહેરાત કરી હતી એટલું જ નહીં, દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં સહાયની સાથે રોજગારી પણ આપવામાં આવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘સમગ્ર રાજ્યમાં આ વર્ષે સરેરાશ ૮૯ ટકા જેટલો વરસાદ થયો છે; પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. ઉચ્ચ સ્તરની બેઠકો યોજીને આ જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ૪ જિલ્લામાં ઓછો વરસાદ થયો છે એને કારણે જે સ્થિતિ સર્જાઈ છે એમાં ખેડૂતોના પડખે ઊભા રહેવાનો રાજ્ય સરકારે ઉદારતમ નિર્ણય કર્યો છે.’
ગુજરાત સરકારે કરેલા આ નિર્ણયોનો અમલ પહેલી નવેમ્બરથી કરવામાં આવશે.
દુકાળ જાહેર થયા પહેલાં ગુજરાતમાં જૂન-જુલાઈથી સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારાનું વિતરણ કરવા માટેની મંજૂરી આપીને જિલ્લા-કલેક્ટરોને ઘાસના વિતરણ માટે ખાસ કિસ્સામાં અધિકૃત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧.૨૧ કરોડ કિલો જેટલા ઘાસના જથ્થાનું બે રૂપિયા પ્રતિકિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે અત્યારની સ્થિતિએ ૩ કરોડ કિલો ઘાસ ઉપલબ્ધ છે.
દુકાળગ્રસ્ત ૪ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)નાં ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એ મુજબ પ્રતિ હેક્ટર ૮૫૦૦ રૂપિયા મુજબ બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
દુકાળ જાહેર થયેલા તાલુકાઓમાં પશુ કૅમ્પના પશુઓ માટે પશુદીઠ રોજના ૮૦ રૂપિયાની સહાય બે મહિના માટે SDRFમાંથી ચૂકવવામાં આવશે અને પશુપાલકોના હિતમાં રાજ્ય સરકાર આવી સહાયનો ખર્ચ ઉઠાવશે.
જે તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે એમાં ગ્રાણીણ લોકોને રોજગારી મળી રહે એ માટે વિકસિત ભારત–ગૅરન્ટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (VB-G RAM G) યોજના અન્વયે ૧૫૦ માનવદિન રોજગારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.