કચ્છનું છારી ઢંઢ પક્ષી-અભયારણ્ય બન્યું રામસર સાઇટ

01 February, 2026 08:45 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

નળ સરોવર, થોળ, ખીજડિયા અને વઢવાણ બાદ છારી ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પહેલી રામસર સાઇટ બની: કચ્છમાં રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે ૨૨,૭૦૦ હેક્ટરમાં ફેલાયેલા વેટલૅન્ડ છારી ઢંઢમાં હજારોની સંખ્યામાં આવે છે દેશી-વિદેશી પક્ષીઓ

છારી ઢંઢમાં આવેલાં પક્ષીઓ.

દેશવિદેશનાં પક્ષીઓ માટે પિયરસમા કચ્છના બન્નીમાં આવેલા છારી ઢંઢ પક્ષી-અભયારણ્યને ગઈ કાલે રામસર સાઇટ જાહેર કરવામાં આવી હતી. આ પક્ષી-અભયારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા રામસર વેટલૅન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એના પગલે કચ્છની આ પહેલી સાઇટ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને પાંચ થઈ છે. નળ સરોવર, થોળ, ખીજડિયા અને વઢવાણ બાદ છારી ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પહેલી રામસર સાઇટ બની છે.   

છારી ઢંઢ એટલે?  

કચ્છી ભાષામાં છારી એટલે ક્ષારવાળી અને ઢંઢ એટલે છીછરું સરોવર. અંદાજે ૨૨૭ ચોરસ કિલોમીટર એટલે કે ૨૨,૭૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલૅન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક રમણીય સ્થાન છે. ૨૦૦૮માં એને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. 

પક્ષીઓનું પિયર  

છારી ઢંઢમાં પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિ નોંધાયેલી છે. શિયાળા દરમ્યાન અહીં સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપનાં ૪૦,૦૦૦ જેટલા કૉમન ક્રેન, મળતાવડી ટિટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે. અહીં લેસર ફ્લૅમિંગો અને ગ્રેટર ફ્લૅમિંગો તેમ જ સારસ પણ જોવા મળે છે. આ ઉપરાંત લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, આરિએન્ટલ ડાર્ટર, બ્લૅક નેક્ડ સ્ટૉર્ક અને શિકારી પક્ષીઓ પણ જોવા મળે છે. માત્ર પક્ષીઓ જ નહીં, આ વિસ્તાર ચિંકારા, રણ-લોમડી, હેણોતરો, રણ-બિલાડી અને વરુ જેવા વન્યજીવો માટે પણ આશ્રયસ્થાન છે.  

રામસર સાઇટ શું છે ?  

વિકીપીડિયા સાઇટ પર જણાવ્યા મુજબ રામસર સાઇટ એ રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી જળભૂમિ છે. એને ધ કન્વેન્શન ઑન વેટલૅન્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ૧૯૭૧ની બીજી ફેબ્રુઆરીએ યુનેસ્કોના નેજા હેઠળ ઈરાનના રામસરમાં હસ્તાક્ષર કરાયેલી આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિ છે. એ આ જળભૂમિના સંરક્ષણ અને એમનાં સંસાધનોના સમજદાર ટકાઉ ઉપયોગ વિશે રાષ્ટ્રીય કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સહયોગની જોગવાઈ કરે છે. 

gujarat news gujarat kutch environment wildlife