નર્મદે હર...

07 April, 2024 01:20 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આધ્યાત્મિકતાની અલખ જગાવતી નર્મદામાની ઉત્તરવાહિની પરિક્રમા આવતી કાલે શરૂ થઈ રહી છે જે એક મહિના સુધી ચાલશે. ભારતમાં કદાચ આ એક જ નદી એવી છે જે ગુજરાતના નર્મદા ​જિલ્લાનાં જંગલોમાં નૈસર્ગિક વાતાવરણમાં મોટાં-મોટાં કોતરોની વચ્ચેથી વહે છે

નર્મદા પરિક્રમા

માઈભક્તો માટે આસો નવરાત્રિની જેમ ચૈત્રી નવરાત્રિનું પણ એટલું જ મહત્ત્વ છે ત્યારે આ ચૈત્રી નવરાત્રિના પ્રારંભના આગલા દિવસથી નર્મદામૈયાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થવાની છે. ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીની પરિક્રમાનું પુરાણોમાં એક આગવું મહત્ત્વ છે. આદિ-અનાદિકાળથી નર્મદામૈયાની પરિક્રમા થતી આવી છે અને ભક્તિભાવપૂર્વક થતી જ રહેશે, પરંતુ ચૈત્ર મહિના દરમ્યાન થતી નર્મદામૈયાની ઉત્તરવાહિની પરિક્રમાનું ધાર્મિક દૃષ્ટિએ પણ માહાત્મ્ય છે.

ભલે ઉનાળો હોય પણ મા નર્મદાનાં નીર નીરવ શાંતિ વચ્ચે ખળખળ કરતાં વહેતાં હોય, ઊંચાં-ઊંચાં કોતરો અને ક્યાંક નદીના વિશાળ પટમાં થઈને એક કેડી કે પગદંડી પરથી નર્મદે હર...ના ભાવપૂર્ણ જયઘોષ કરતા પગપાળા આગળ વધતા જવાનો લહાવો અનેરો છે. જો તમે પ્રકૃતિપ્રેમી છો અને અધ્યાત્મ સાથે તાદાત્મ્ય કેળવતા રહ્યા છો તો આ નૈસર્ગિક વાતાવરણના માહોલના રોમાંચને રોમેરોમ માણી શકો છો, સાક્ષાત્કાર કરી શકો છો. નર્મદા નદીના તટે-તટે પગદંડી પર થતી આ પરિક્રમાનું આધ્યાત્મિક મહત્ત્વ ‘વાંચન પરિક્રમા’ કરતાં-કરતાં જાણીએ.

ક્યાંથી શરૂ થાય છે આ પરિક્રમા?
સોમવારથી એક મહિના સુધી નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા જ્યાંથી શરૂ થાય છે એ નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકના રામપુરામાં આવેલા રણછોડરાયજી મંદિરના આચાર્ય અતુલ પુરાણી આ પરિક્રમા વિશે વાત કરતાં કહે છે, ‘સોમવારે સોમવતી અમાવસ્યા છે એટલે તીર્થમાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા ઊમટશે. તેઓ નર્મદા નદીમાં સ્નાન કરી ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરીને પરિક્રમાનો આરંભ કરશે. આ મંદિરનું પણ આગવું મહત્ત્વ છે. આ મંદિર નર્મદા નદીના તટ પર આવેલું છે. અહીં સ્વયંભૂ પ્રગટ થયેલી કાળા પથ્થરની અને દશાવતારવાળી ભગવાન રણછોડરાયજીની મૂર્તિ છે જે ૧૦૦ વર્ષ પહેલાં ખેતરમાંથી મળી આવી હતી. આ મંદિરથી પરિક્રમા શરૂ થાય છે અને અહીં જ રામપુરા ગામે પરિક્રમા પૂરી થાય છે.’  

ઉત્તરવાહિની કહેવા પાછળનું રહસ્ય શું? 
નર્મદામૈયાની બે પરિક્રમા આદિ-અના​દિકાળથી થતી આવી છે. કંઈકેટલાંય સંતો-ઋષિમુનિઓ, યોગી પુરુષો, સાધ્વીજીઓ, સન્નારીઓએ નર્મદામૈયાની પરિક્રમા કરી છે અને કરતાં રહેશે. એક પરિક્રમા આખી નર્મદા નદીની થાય છે અને બીજી પરિક્રમા રામપુરાથી તિલકવાડા સુધીના નર્મદા નદીના પટ્ટામાં થાય છે. આ બીજી પરિક્રમા જે થાય છે એને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કહેવાય છે. આ ઉત્તરવાહિની કહેવા પાછળના ભાવને સમજાવતાં અતુલ પુરાણી કહે છે, ‘આ પરિક્રમાને ઉત્તરવા​હિની કહેવા પાછળનું વિશેષ કારણ એ છે કે નર્મદા નદી રામપુરાથી તિલકવાડા સુધી ઉત્તર ભાગમાં વહે છે. આ એક જ જગ્યા છે જ્યાં નર્મદા નદી ઉત્તર દિશામાં વહે છે એટલે એની પરિક્રમા થાય છે. બાકી બીજી બધી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી હોય છે, પરંતુ નર્મદા એક એવી નદી છે જેનું વહેણ અંદાજે સાતથી આઠ કિલોમીટરના વિસ્તારમાં ઉત્તર દિશામાં વહે છે અને પછી તિલકવાડાથી આ જ નર્મદા નદી પશ્ચિમ દિશાએ વહે છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઉત્તર દિશામાં જે નદી વહેતી હોય એ સિદ્ધિ આપે છે એટલે નર્મદાની પરિક્રમા સિદ્ધિ આપે છે અને મનોરથ સફળ કરે છે એટલે લાખ્ખો માણસો નર્મદામૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરવા આવે છે.’  

આ પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે 
કોઈ પણ ધાર્મિક સ્થળ કે પદયાત્રા, પરિક્રમાની જેમ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું પણ એક વિશેષ મહત્ત્વ છે એની વાત કરતાં અતુલ પુરાણી કહે છે, ‘જે લોકો આખી નર્મદા નદીની પરિક્રમા નથી કરી શકતા તેઓ આ ઉત્તરવા​હિની પરિક્રમા કરે તો પણ તેમને આખી નર્મદાની પરિક્રમા જેટલું ફળ મળે છે. આખી નર્મદા નદીની પરિક્રમા કરતાં ત્રણ વર્ષ, ત્રણ મહિના અને તેર દિવસનો સમય લાગે છે. ત્યારે જઈને સંપૂર્ણ નર્મદા નદીની પરિક્રમા થાય છે. એનું જે પુણ્ય મળે એ આ એક જ દિવસની પરિક્રમામાં મળે છે. આ પરિક્રમા ચૈત્ર મહિનામાં થાય છે અને એનો આગવો મહિમા છે. ચૈત્ર મહિનો પવિત્ર છે જેમાં ચૈત્ર નવરાત્રિ પણ આવે છે. પડવાથી પૂનમ સુધી પુણ્યપ્રાપ્તિ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા થાય છે અને આ એનું મહત્ત્વ છે એટલે લાખ્ખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા માટે દેશભરમાંથી આવે છે.’  

પરિક્રમામાં બે વાર નદી ઓળંગીને પાછા ફરવાનું 
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા રામપુરાથી શરૂ કરીને પદયાત્રીઓ ધનેશ્વર જાય છે એમ જણાવીને પરિક્રમાના રૂટ પર વાત કરતાં અતુલ પુરાણી કહે છે, ‘ત્યાંથી માંગરોળ ગામે જવાનું. અહીં મંગલેશ્વર મહાદેવ છે. મંગળ ગ્રહે અહીં શિવજીની આરાધના, ઉપાસના કરી હતી અને અહીં મંગલેશ્વર મહાદેવની સ્થાપના થઈ હતી. નર્મદા પુરાણમાં એનો મહિમા લખાયો છે. કહેવાય છે કે ભોળા શંભુએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું હતું. જેમને જન્મકુંડળીમાં મંગળ ખરાબ હોય, અંગારક દોષ હોય તે અહીં આવીને પૂજાઅર્ચના, હવન કરે તો મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. પદયાત્રીઓ આ મંદિરે દર્શન કરવા જાય છે. મંગલેશ્વર મહાદેવથી પદયાત્રા કરીને ગુવાર જવાનું અને ત્યાંથી શહેરાવ જવાનું. શહેરાવ સુધી ગયા પછી અહીંથી નર્મદા નદી ક્રૉસ કરીને સામા કિનારે તિલકવાડા જવાનું હોય છે. તિલકવાડામાં તિલકેશ્વર મહાદેવ અને વાસુદેવાનંદ સરસ્વતીસ્વામી મહારાજનું સ્થાન છે. આ ઉપરાંત નર્મદામાતાનું મંદિર છે. પદયાત્રીઓ અહીં દર્શન કરે છે. તિલકવાડાથી પદયાત્રીઓ પાછા રામપુરા તરફ સામા કિનારે પદયાત્રા શરૂ કરે છે અને રામપુરાની સામેની સાઇડે રેંગણ ગામે આવે છે. આ ગામેથી નાવડીમાં બેસીને નર્મદા નદી ક્રૉસ કરીને રામપુરા ગામે પાછા આવે છે જ્યાં નર્મદામૈયાની ઉત્તરવા​હિની પરિક્રમા પૂરી થાય છે.’  

રામપુરામાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ભગવાન રણછોડરાયજીનાં દર્શન. 

એક જ દિવસમાં પરિક્રમા પૂરી
નર્મદા નદીના બન્ને તરફના કિનારે આવતાં અને જતાં અંદાજે ૧૪થી ૧૮ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂરી કરવામાં આવે છે. એમાં બે વખત નદી ઓળંગીને સામા છેડે જવાનું હોય છે. આ પરિક્રમા એક જ દિવસમાં પૂરી થાય છે. શ્રદ્ધાળુઓમાં ઉત્તરવા​હિની નર્મદા પરિક્રમાનું અનેરું મહત્ત્વ અને માહાત્મ્ય છે એટલે એક મહિના દરમ્યાન લાખ્ખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને વહેલી સવારે ઊઠીને પરિક્રમા શરૂ કરે છે. રામપુરા ગામે કીડી મંકોડી ઘાટથી શહેરાવ ઘાટ સુધી તેમ જ સામા છેડે તિલકવાડા ઘાટથી રેંગણઘાટ સુધીનું અંતર નર્મદા નદીના કિનારે-કિનારે પદયાત્રા કરીને કાપીને નદી ઓળંગીને રામપુરા ઘાટ આવીને પદયાત્રીઓ પરિક્રમા પૂરી કરે છે. જોકે નર્મદા નદીની આ પરિક્રમાના રૂટ પર કેટલાંક સ્થળોએ નદીમાં મગરો પણ હોવાથી પદયાત્રીઓને સલામતીપૂર્વક આગળ વધવાની તાકીદ કરવામાં આવે છે.

મગર છે, પણ હેરાન કરતા નથી  
નર્મદા નદી વિશાળ પટ ધરાવે છે. ઊંચાં-ઊંચાં કોતરો વચ્ચેથી નદી પસાર થાય છે અને આ નદી પર કંઈકેટલાય ઘાટ આવેલા છે અને ઠેકઠેકાણે મગરોએ મુકામ કર્યો છે. નર્મદા નદીની ઉત્તરવા​હિની પરિક્રમા થાય છે એ માર્ગમાં પણ નદીમાં મગર છે એની વાત કરતાં રાજપીપળાના સેવાભાવી જય ભોલે ગ્રુપના કલમ વસાવા કહે છે, ‘રામપુરા ઘાટ પાસે નર્મદા નદીમાં મગરો છે. બે મગર ફરે છે પરંતુ કોઈને હેરાન નથી કરતા. અહીં મગર બહાર નીકળે છે અને પાછા અંદર જતા રહે છે. જોકે જ્યાં મગર હોય ત્યાં સાવચેતીના ભાગરૂપે મગરથી સાવધાન કરતાં બોર્ડ પણ લગાવવામાં આવે છે.’

gujarat news religious places ahmedabad columnists gujarati mid-day shailesh nayak