09 September, 2022 08:58 AM IST | Ahmedabad | Shailesh Nayak
જૂનાગઢના સમીર દત્તાણી લાલબાગચા રાજાના દરબારમાં
કોરોના દૂર થાય અને પરિસ્થિતિ પહેલાં જેવી સામાન્ય થઈ જાય તો હું ચાલીને લાલાબાગચા રાજા ગણપતિદાદાને પગે લાગવા મુંબઈ આવીશ એવી માનતા માનનાર ગુજરાતમાં આવેલા જૂનાગઢના સમીર દત્તાણીની માનતા ફળતાં ૭૭૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૨૬ દિવસે મુંબઈમાં લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા હતા અને બાપ્પાના શરણે માથું ટેકવીને માનતા પૂરી કરી હતી અને લોકોનું આરોગ્ય સારું રહે અને સુખાકારી બની રહે એ માટે પ્રાર્થના કરી હતી.
ગુજરાતના જૂનાગઢથી ૭૭૦ કિલોમીટર ચાલીને મુંબઈમાં લાખો-કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસમા લાલબાગચા રાજાના દરબારમાં સમીર દત્તાણી બુધવારે રાત્રે ૧૧ વાગ્યે પહોંચ્યા હતા અને બાપ્પાનાં દર્શન કરીને તેમને દિવ્ય અનુભૂતિ થઈ હતી.
સમીર દત્તાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવનમાં હું પહેલી વાર આટલુંબધું ચાલ્યો હોવા છતાં પણ રસ્તામાં મને તકલીફ ન પડી. જસદણમાં અને મનોરના જંગલ વિસ્તારમાં વરસાદ નડ્યો છતાં પણ પલળતાં-પલળતાં બાપ્પાનું નામસ્મરણ કરતો હું ચાલતો રહ્યો હતો. રોજ ૩૦ કિલોમીટર ચાલતો હતો એમ છતાં પણ બીમાર નથી પડ્યો કે રસ્તામાં કોઈ મુશ્કેલી પડી નથી. મને લાગે છે કે બાપ્પાએ ચાલવાની શક્તિ આપી અને હું અહીં સુધી પહોંચી શક્યો છું. જૂનાગઢથી ચાલતો નીકળ્યા પછી મને એવું લાગતું હતું કે બાપ્પા મારી સાથે છે.’
સમીર દત્તાણીએ વધુમાં કહ્યું હતું કે ‘૨૬ દિવસ સુધી પદયાત્રા કરીને હું બુધવારે રાત્રે ૧૧ વાગ્યે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો. અહીં ગણપતિબાપ્પાનાં દર્શન કરીને મને દિવ્ય અનુભૂતિ થઈ હતી અને કોરોના જતો રહે અને પરિસ્થિતિ પહેલાં જેવી બને એવી માનતા માની હતી એ બાપ્પાએ પૂરી કરી છે. બાપ્પા પ્રત્યેની મારી શ્રદ્ધા હતી એ પૂર્ણ થઈ છે. બાપ્પા પ્રત્યે મારી શ્રદ્ધા છે અને તેમના આશીર્વાદથી હું એકલો જૂનાગઢથી ચાલીને અહીં સુધી પહોંચ્યો છું.’
બાપ્પાના આશીર્વાદથી માનતા પૂરી થતાં અને જીવનમાં પહેલી વાર આટલી લાંબી વાટે ચાલી નીકળેલા સમીર દત્તાણી હેમખેમ મુંબઈ પહોંચતાં તેમને હરખ કરાવવા તેમનાં વાઇફ, દીકરો, દીકરી સહિત ૨૦ જેટલા ફૅમિલીના સભ્યો અને ફ્રેન્ડ્સ મુંબઈ પહોંચી ગયાં હતાં અને સૌએ સાથે મળીને બાપ્પાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.