01 February, 2024 01:02 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રેઈડની પ્રતીકાત્મક તસવીર
જૂનાગઢ તોડકાંડ મામલા (Junagadh Extortion Case)માં ગુજરાત એટીએસ દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદના ઘરમાં દરોડા પાડયા હોવાની માહિતી સામે આવી છે, તેટલું જ નહીં તરલ ભટ્ટ સહિતના અન્ય આરોપીઓને પણ પકડવા માટે એક્શન મોડમાં પોલીસ આવી ગઈ છે.
તમને જણાવી દઈએ કે જૂનાગઢ તોડકાંડ (Junagadh Extortion Case) મામલે પીઆઇ તરલ ભટ્ટ, એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસસઆઈ દિપક જાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ત્રણેય વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ બન્ને પીઆઇ અને ASI જાણે ક્યાંક ખોવાઇ ગયા હતા.
શું હતો સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટા (Junagadh Extortion Case)નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એવી પણ માહિતી સામે આવી હતી કે આ ક્રિકેટ સટ્ટા માટે એક હજારથી પણ વધુ બેંકનો એકાઉન્ટનો વપરાશ કરવામાં આવ્યો હતો
તરલ ભટ્ટની થઈ હતી બદલી અને...
ત્યારબાદ એવું પણ સામે આવ્યું હતું કે આ કેસ (Junagadh Extortion Case)ની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હતી. છતાં પણ પ્રાપ્ત અહેવાલો અનુસાર જૂનાગઢ બદલી બાદ પણ તરલ ભટ્ટે પોતાના એક પેન ડ્રાઈવમાં ક્રિકેટ સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતોને જાળવી રાખી હતી.
જોકે, જુનાગઢ તોડકાંડમાં ગુજરાતના એટીએસ દ્વારા DIG દીપન ભદ્રનના માર્ગદર્શનમાં વિશેષ ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી. આ સાથે જ તપાસ પણ શરૂ કરવામાં આવી દીધી છે. આ જુનાગઢ તોડકાંડમાં પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની આ ત્રણેય જણાએ મળીને સૌથી મોટો તોડકાંડ કર્યો હોવાની માહિતી સામે આવી છે.
હવે જુનાગઢ તોડકાંડ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ
માધવપુરામાં થયેલા સટ્ટાકાંડ (Junagadh Extortion Case)માં મુખ્ય આરોપી તરીકે તરલ ભટ્ટ વિરુદ્ધ જુનાગઢની પોલીસે પણ ગુનો નોંધીને તપાસ કાર્યવાહી તેજ કરી છે. હા, સીએમ ભૂપેન્દ્ર પટેલ તરફથી સૂચના મળ્યા બાદ પોલીસે આ કાર્યવાહીમાં વધારે જોર આપ્યું હતું. હવે એવી પણ માહિતી સામે આવી છે કે જુનાગઢ તોડકાંડ મામલે ATS ની કાર્યવાહીને પણ વિશેષ રૂપે ભાર આપવામાં આવ્યો છે.
એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે ATS ની ટીમ દ્વારા PI તરલ ભટ્ટના અમદાવાદમાં આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ ATS દ્વારા તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વિશેષ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હા, PI તરલ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીન અરજી પર જુનાગઢ કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવનાર છે.