જયંતી ભાનુશાળી મર્ડર કેસઃ તમામ આરોપીઓની મિલકત લેવાશે ટાંચમાં

17 May, 2019 07:57 AM IST  |  અમદાવાદ

જયંતી ભાનુશાળી મર્ડર કેસઃ તમામ આરોપીઓની મિલકત લેવાશે ટાંચમાં

જયંતી ભાનુશાળી (File Photo)

૨૦૧૯ની ૮ જાન્યુઆરીની વહેલી સવારે સયાજીનગરી એક્સપ્રેસમાં બીજેપીના સિનિયર લીડર અને કચ્છના ટોચના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ફરાર મનીષા ગોસ્વામી અને જયંતીભાઈના મર્ડર માટે સુપારી લેનારા સુરજિતભાઉ તથા તેના બન્ને કૉન્ટ્રૅક્ટ-કિલર નિખિલ થોરાત અને રાજુ થોરાતની તમામ પ્રૉપર્ટી ટાંચમાં લેવાનો નિર્ણય ગુજરાત સરકાર અને સીઆઇડી (ક્રાઇમ) દ્વારા લીધો છે. આ ચારેય આરોપીઓની અંદાજે સાડાત્રણ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ થાય છે તો આ ચારેયનાં બૅન્ક-અકાઉન્ટ્સમાં પણ ૭૦ લાખ રૂપિયા જેવી રકમ છે, જેને પહેલેથી જ સીલ કરી દેવામાં આવી છે. સીઆઇડી (ક્રાઇમ)ના અધિકારી આશિષ ભાટિયાએ કહ્યું હતું કે તમામ આરોપીઓને ભાગેડુ જાહેર કરી દેવાયા છે. હવે જો તેઓ એક મહિનામાં હાજર નહીં થાય તો તેમની તમામ પ્રૉપર્ટીને ટાંચમાં લેવાશે.

આ પણ વાંચોઃ અમદાવાદના મંદિરમાં દલિત પૂજારી કરી રહ્યા છે ભગવાનની સેવા-પૂજા

આરોપીઓમાંથી મનીષા ગોસ્વામી પાસે વાપી, ભુજ, ગાંધીધામમાં અને બાકીના ત્રણેત્રણ આરોપીઓ પાસે પુણે અને મુંબઈમાં પ્રૉપર્ટી છે. સૌથી વધુ સંપત્તિ મનીષા પાસે છે. સીઆઇડીએ આ આરોપીને પકડવા માટે છેલ્લા એક મહિનામાં ૪૨થી વધુ જગ્યાએ રેઇડ પાડી હતી, પણ તેમના કોઈ પુરાવા મળ્યા નથી.

ahmedabad gujarat news Crime News