અમદાવાદના મંદિરમાં દલિત પૂજારી કરી રહ્યા છે ભગવાનની સેવા-પૂજા

Published: May 17, 2019, 07:48 IST | અમદાવાદ

અમદાવાદ શહેરની વચ્ચોવચ સાબરમતી નદીના તટે ગુજરીબજાર પાસે આવેલા પ્રાચીન નિમ્બાર્ક દેવતીર્થ પંચનાથ મહાદેવ, શ્રી હરિ વિષ્ણુ મંદિરમાં પૂજારી તરીકે દલિત યુવાન અશોક વાઘેલા છેલ્લાં ૩૫ વર્ષથી ભગવાનની સેવા-પૂજા કરે છે

મંદિરમાં પૂજા કરતા દલિત પૂજારી અશોક વાઘેલા
મંદિરમાં પૂજા કરતા દલિત પૂજારી અશોક વાઘેલા

છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન ગુજરાતમાં દલિતો સાથે આભડછેટનો વ્યવહાર થઈ રહ્યો છે અને સમાજને જાતિવાદના આભડછેટનો એરુ આભડી ગયો છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં એક એવું પ્રાચીન મંદિર છે જ્યાં એક દલિત યુવાન પૂજારી ભોળા શંભુ વિષ્ણુ ભગવાનની સેવા-પૂજા છેલ્લાં ૩૫ વર્ષથી કોઈ પણ જાતની અડચણ વિના કરી રહ્યા છે.

તાજેતરમાં ગુજરાતનાં કેટલાંક ગામોમાં દલિત સમાજના લગ્નપ્રસંગે ગામમાં વરઘોડા નીકળવા નહીં દેવાની ઘટનાઓ બની છે અને એમાં અડચણ ઊભી કરી છે જેને કારણે વિવાદ ઊઠ્યો છે અને વાતાવરણ ડહોળાયું છે ત્યારે અમદાવાદ શહેરની વચ્ચોવચ સાબરમતી નદીના તટે વિક્ટોરિયા ગાર્ડન અને ગુજરીબજાર પાસે આવેલા પ્રાચીન નિમ્બાર્ક દેવતીર્થ પંચનાથ મહાદેવ, શ્રી હરિ વિષ્ણુ મંદિરમાં પૂજારી તરીકે અશોક વાઘેલા છેલ્લાં ૩૫ વર્ષથી ભગવાનની સેવા-પૂજા કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ દલિત પૂજારીને લઈને કોઈ આભડછેટ રાખતા નથી કે ક્યારેય દલિત પૂજારીનો તેઓએ વિરોધ કર્યો નથી. ઊલટાનું આ પૂજારીને તેઓ સન્માનથી જુએ છે, એટલુ જ નહીં, ‘મંદિરના સંચાલક અને પૂજારી અશોક વાઘેલા છે’ એવુ મંદિરમાં સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે. ૪૫ વર્ષના પૂજારી અશોક વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું વાલ્મીકિ સમાજમાંથી આવું છું, હું દલિત છું. ૧૦ વર્ષની ઉંમરથી પિતાજી સાથે મંદિરમાં સેવા-પૂજા કરું છું .લગભગ ૮૦-૯૦ વર્ષોથી મારા દાદા અને પિતાજી આ મંદિરમાં પૂજારી તરીકે સેવા-પૂજા કરતા આવ્યા છે અને મંદિર સંભાળતા આવ્યા છે. છેલ્લાં ૩૫ વર્ષથી હું મંદિરનું સંચાલન કરું છું અને ભગવાનની સેવા-પૂજા કરું છું.’

અશોક વાઘેલાએ વધુમાં કહ્યું કે ‘મંદિરમાં દર્શન કરવા આવતા ઘણા દર્શનાર્થીઓ મને પૂછે છે કે તમે બ્રાહ્મણ છો ત્યારે હું ના પાડીને કહું છું કે હું વાલ્મીકિ સમાજનો છું, દલિત છું. તો બધા આશ્ચર્ય પામે છે. કેટલાક લોકો ખુશ પણ થાય છે તો અમુક લોકો મોઢું મચકોડે છે. જોકે આજ સુધી કોઈ દર્શનાર્થીએ મારો વિરોધ કર્યો નથી. મારી જાતિ જાણ્યા પછી પણ દર્શનાર્થીઓ કંઈ બોલતા નથી. હું માનું છું કે હું દલિત છું, મારો ભગવાન થોડો દલિત છે.’

એક દર્શનાર્થી અશોક શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મંદિરમાં રેગ્યુલર દર્શન કરવા આવું છું. હું પૂજારી અશોકભાઈને પગે લાગું છું, તે કઈ કાસ્ટના છે એ હું જોતો નથી. તેઓ પૂજારી છે એ જોઉં છું .ભગવાન પ્રત્યે તેમની આસ્થા છે .ભગવાન શ્રીરામે શબરીના બોર ખાધા હતાને. અશોકભાઈ સેવા-પૂજા કરે છે એ અગત્યનું છે.’

આ પણ વાંચોઃ વરઘોડાના વિરોધ મામલે મેવાણીની ચક્કાજામની ચીમકી, 18મીએ દલિત સંમેલન

અન્ય એક દર્શનાર્થી અને અન્નપૂર્ણા માતાજીના મંદિરના પૂજારી રવિભારથી ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરમાં દલિત પૂજારી છે એ સારું છે. માણસ પોતાના કર્મથી મહાન છે. સમાજમાં આભડછેટ ન હોવી જોઈએ. અશોકભાઈ પૂજારી તરીકે તેમની કામગીરી સારી રીતે નિભાવે છે અને ધર્મનું જ્ઞાન ધરાવે છે. દર્શનાર્થીઓને સાચી સલાહ આપે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK