અંબાજી જતા પદયાત્રીઓને પગમાં થતી તકલીફ નિવારવા માટે ૧૦,૦૦૦ જોડ જીન્સનાં મોજાં

05 September, 2025 07:20 AM IST  |  Gandhinagar | Shailesh Nayak

ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ ચાલતાં-ચાલતાં અંબાજી જતા હોય છે ત્યારે ઘણા પદયાત્રીઓને પગમાં ફોલ્લા પડી જતા હોય છે તેમ જ કાંકરા વાગતા હોય છે

પદયાત્રા કરીને અંબાજી જતાં આ વૃદ્ધાને જીન્સનાં મોજાં પહેરાવ્યાં હતાં.

ડીસાના જલિયાણ ફાઉન્ડેશને અંબાજી જતા પદયાત્રીઓની તકલીફ દૂર કરવા માટે સ્તુત્ય પ્રયાસ કરીને મુંબઈમાં ૧૦,૦૦૦ જોડ જીન્સનાં મોજાં બનાવડાવીને તકલીફવાળા પદયાત્રીઓમાં મોજાનું વિતરણ કર્યું છે.

પદયાત્રીઓ માટે બનાવેલાં કમ્ફર્ટેબલ મોજાં.

ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ ચાલતાં-ચાલતાં અંબાજી જતા હોય છે ત્યારે ઘણા પદયાત્રીઓને પગમાં ફોલ્લા પડી જતા હોય છે તેમ જ કાંકરા વાગતા હોય છે. આવી પરિસ્થિતિમાં જલિયાણ ફાઉન્ડેશન દ્વારા નવીનતમ મોજાં બનાવ્યાં જે પહેરવાથી પગના તળિયે બળતરા થતી નથી અને પદયાત્રીઓ કમ્ફર્ટેબલ રીતે ચાલી શકે છે. જલિયાણ ફાઉન્ડેશનના અમિત સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જલિયાણ ફાઉન્ડેશન દ્વારા પાલનપુરથી દાંતા તરફ જતાં દાંતા પાસે રતનપુર ખાતે વર્ષોથી પદયાત્રીઓ માટે જય જલિયાણ સેવા કૅમ્પ ચલાવવામાં આવી રહ્યો છે જ્યાં ૨૪ કલાક ભોજન-પ્રસાદ પીરસવા સહિતની સેવા કરવામાં આવે છે. અમે જોયું છે કે પદયાત્રા કરીને અંબાજી જતા પદયાત્રીઓ પૈકી ઘણા લોકોને બાધા-આખડી હોય છે એટલે પગમાં બૂટ-ચંપલ પહેર્યા વગર પદયાત્રા કરીને અંબાજી જતા હોય છે. આ પૈકી કેટલાક પદયાત્રીઓને પગમાં ફોલ્લા પડી જાય છે કે બીજી કોઈ ઈજાઓ થઈ હોય તો પાટાપિંડી કરવામાં આવે છે, પરંતુ ચાલતાં-ચાલતાં આ પાટા છૂટી જતા હોય છે અને તે પદયાત્રી હેરાન થતો હોય છે. અમારા ફાઉન્ડેશનનો હેતુ એ રહ્યો છે કે પદયાત્રીઓ અંબે માતાજીના મંદિરે જઈને દર્શન કરીને પાછા ફરે, એટલે આઇડિયા આવ્યો કે જે પદયાત્રીઓને પગમાં તકલીફ થતી હોય તેમના માટે મોજાં બનાવીએ જેથી તે માઈભક્ત તેની યાત્રા પૂરી કરી શકે. આમ વિચારીને જીન્સનાં મોજાં બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે મુંબઈમાં ૧૦,૦૦૦ જોડ મોજાં બનાવડાવ્યાં. મોજાં બનાવતાં લગભગ મહિનો લાગ્યો હતો.’

ambaji gujarat news gujarat news religion religious places health tips