અમદાવાદમાં ભયંકર ગરમી, ભગવાન સ્વામીનારાયણને ચંદનનો શણગાર

13 May, 2022 08:49 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતભરમાં ગરમીનો કેર યથાવત્ : આજે અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી

અમદાવાદમાં સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મંદિરમાં ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને શીતળતા આપવા સ્વામીનારાયણ ભગવાનને ચંદનનો શણગાર કરાયો હતો.

ગુજરાતમાં અસહ્ય ગરમીનો કેર યથાવત્ રહ્યો  છે. અમદાવાદના નાગરિકોએ તો ગઈ કાલે જાણે અગનભઠ્ઠીમો અનુભવ કર્યો હોય એવી અસહ્ય ગરમી શહેરમાં પડી હતી. એટલું ઓછું હોય એમ આજે અને આવતી કાલે પણ અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે, તો અમદાવાદમાં બે દિવસ રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે.

ગઈ કાલે સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાતાં સ્થાનિક રહેવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં ગઈ કાલે ૪૫.૨ ડિગ્રીના તાપમાં અમદાવાદના શહેરીજનો રીતસરના શેકાયા હતા. દિવસભર ગરમ લાય જેવા પવન વાતા રહ્યા હોવાથી વાહનચાલકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. હજી પણ બે દિવસ એટલે કે આજે અને આવતી કાલે અમદાવાદમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે.

ગઈ કાલે સુરેન્દ્રનગરમાં ૪૬, અમદાવાદમાં ૪૫.૨, ગાંધીનગરમાં ૪૪.૯, અમરેલીમાં ૪૪.૬, રાજકોટમાં ૪૪.૩, ડીસામાં ૪૩.૨, કંડલા ઍરપોર્ટ પર ૪૨.૮, ભુજમાં ૪૨.૩, વલ્લભવિદ્યાનગરમાં ૪૨.૧, વડોદરામાં ૪૧.૮ અને ભાવનગરમાં ૪૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં આજે અને આવતી કાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હીટ વેવ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મંદિરમાં ગ્રીષ્મ ઋતુમાં શીતળતા આપવા સ્વામીનારાયણ ભગવાનને ચંદનનો શણગાર કરાયો હતો. સંતો અને હરિભક્તો લાકડા પર ચંદન ઘસીને એના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવે છે.

gujarat gujarat news ahmedabad