16 June, 2025 06:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડ્યા બાદ તેનો કાટમાળ
અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડ્યા બાદ એમાં માર્યા ગયેલા લોકોના ઇન્શ્યૉરન્સ ક્લેમની પ્રોસેસ વહેલી તકે પૂરી કરવાની ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઓથૉરિટી ઑફ ઇન્ડિયા (IRDAI-ઇરડાઇ)એ ઇન્શ્યૉરન્સ કંપનીઓ અને રીઇશ્યૉરર્સને સૂચનાઓ આપી છે.
ઇરડાઇએ આ માટે તેમને પબ્લિક માટે અવેલેબલ એવા પૅસેન્જર લિસ્ટના આધારે પૅસેન્જર્સના ઓવરસીઝ મેડિકલ ઇન્શ્યૉરન્સના ડેટાબેઝ તથા પર્સનલ અને લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીની ડીટેલ્સનો ઉપયોગ કરવા કહ્યું છે.
ઇન્શ્યૉરન્સ કંપનીઓએ ફાસ્ટ ટ્રૅક ક્લેમ સેટલમેન્ટ કરવાનું રહેશે. એ માટે જો ઑફિશ્યલ કન્ફર્મેશન હોય તો પછી પોલીસના ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) કે પછી પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે રાહ જોવાની જરૂર નથી. એ પછી પૅસેન્જરના ક્લેમ હોય કે પછી બી. જે. મેડિકલ કૉલેજની હૉસ્ટેલની સાઇટ પરના એ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના ક્લેમ હોય એની પ્રોસેસ વહેલી તકે કરવાની રહેશે.
ઇરડાઇએ લાઇફ ઇન્શ્યૉરન્સ કાઉન્સિલ અને જનરલ ઇન્શ્યૉરન્સ કાઉન્સિલને જે હૉસ્પિટલમાં ઘાયલોની સારવાર થઈ રહી છે ત્યાં જ એક સેલ ઊભો કરવા કહ્યું છે જેથી તેમને લાઇફ ઍન્ડ હેલ્થ ઇન્શ્યૉરન્સના ક્લેમ માટે જોઈતી રિયલ ટાઇમ માહિતી ત્યાંથી મળી શકે.
દરેક ઇન્શ્યૉરન્સ કંપનીને જૉઇન્ટ સેલ અને ઓવરસીઝ પ્રૉમ્પ્ટ ક્લેમ સેટલમેન્ટ કરવાના કામમાં કો-ઑર્ડિનેટ કરી શકે એવા નોડલ ઑફિસરની નિમણૂક કરવા કહ્યું છે. ઇન્શ્યૉરન્સ કંપનીઓએ આવતી કાલથી ઇરડાઇને વીકલી રિપોર્ટ મોકલવાનો રહેશે કે તેમણે અઠવાડિયામાં કેટલા ક્લેમ સેટલ કર્યા. ઇન્શ્યૉરન્સ કાઉન્સિલ પણ કંપનીઓ દ્વારા કેટલા ક્લેમ સેટલ કરવામાં આવ્યા એની વિગતોની સમરી એમની વેબસાઇટ પર મૂકશે.
ઇન્શ્યૉરન્સ કંપનીઓએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના ઇન્શ્યૉરન્સ ક્લેમ સેટલ કરવા સહેલી પ્રોસેસ અમલમાં મૂકી છે. પબ્લિક સેક્ટરની લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૉલિસીહોલ્ડરનું ડેથ સર્ટિફિકેટ ન મળ્યું હોય તો એને બદલે પ્લેન ક્રૅશમાં તે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ સાબિત કરતો કોઈ પણ ગવર્નમેન્ટ રેકૉર્ડ કે પછી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કે ઍરલાઇન કંપની દ્વારા વળતર આપવામાં આવ્યું હોય તો એે દસ્તાવેજ પણ ડેથ સર્ટિફિકેટને બદલે ચાલી શકશે.
HDFC લાઇફ દ્વારા કહેવાયું છે કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૉલિસીહોલ્ડરના નૉમિની અથવા કાયદેસર વારસદાર લોકલ ગવર્નમેન્ટ દ્વારા ઇશ્યુ કરાયેલું પ્રૂફ ઑફ ડેથ સબમિટ કરી શકે છે.