15 August, 2023 10:46 AM IST | Ahmedabad | Shailesh Nayak
નવસારીમાં ૭૫ મીટર લાંબા તિરંગા સાથે પરેડ અને તિરંગા યાત્રા યોજાઈ હતી
૭૭મા સ્વાતંય પર્વની ઉજવણીના એક દિવસ પહેલાં ગઈ કાલે ગુજરાત રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક નાનાં-મોટાં શહેરો અને ગામડાંઓમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. નવસારી અને પાલનપુરમાં લાંબા તિરંગા સાથે યોજાયેલી પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તિરંગા યાત્રા દરમ્યાન ભારત માતાકી જય, વન્દે માતરમના જયઘોષ સાથે ગુજરાતનાં નાનાં-મોટાં શહેરો અને ગામો ગૂંજી ઊઠ્યાં હતાં. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મિટ્ટી કો નમન, વીરો કો નમનના ઉદ્દેશ સાથે મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા, તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ સ્વાતંય સેનાનીઓની વેશભૂષા સાથે જોડાયા હતા. નાગરિકોએ તિરંગા યાત્રા પર ફૂલો વરસાવીને એને વધાવી હતી. આ પ્રસંગે વીર શહીદોના પરિવારજનોનું તેમ જ સ્કૂલ બોર્ડમાં અભ્યાસ કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વલસાડની જે સ્કૂલમાં એકડો ઘૂંટ્યો ત્યાં ગયા ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જે સ્કૂલમાં એકડો-બગડો અને ક, ખ ઘૂંટીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું એ વલસાડની આવાબાઈ સ્કૂલમાં ગઈ કાલે પહોંચીને જૂની યાદોને વાગોળી હતી. ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં થવાની છે ત્યારે ગઈ કાલે વલસાડ પહોંચેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવાબાઈ સ્કૂલમાં ગયા હતા. આ સ્કૂલમાંથી તેઓએ પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી.