લૉકડાઉનની બીકે અમદાવાદમાં ધડબડાટી

07 April, 2021 11:21 AM IST  |  Mumbai | Shailesh Nayak

લૉકડાઉનની અફવા ફેલાતાં અમદાવાદના કાળુપુર સહિતના વિસ્તારોમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લાઇનો લાગી, ખરા બપોરે નાગરિકો વસ્તુઓ લેવા દુકાનો અને મૉલમાં દોડ્યા

અમદાવાદમાં ગઈ કાલે કાલુપુર ચોખાબજારમાં લૉકડાઉનની અફવાને પગલે લોકો ચીજવસ્તુઓ લેવા દુકાનો પર ધસી ગયા હતા.

‘વા વાયા ને નળિયું ખસ્યું’ જેવો ઘાટ ગઈ કાલે અમદાવાદમાં થયો હતો, જેમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અમદાવાદમાં લૉકડાઉન થશે એવી અફવા ફેલાતાં લૉકડાઉનની બીકે શહેરમાં ધડબડાટી મચી ગઈ હતી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે શહેરના ઘણા વિસ્તારોમાં લાઇનો લાગી હતી.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં મૅક્સિમમ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે શહેરમાં લૉકડાઉન થશે એવી અફવા આગની જેમ ફેલાઈ ગઈ હતી. આ અફવા ફેલાતાં શહેરના કાળુપુર, જીવરાજ પાર્ક, શિવરંજની સહિતના વિસ્તારોમાં નાગરિકો તેમની નજીકની દુકાનો અને મૉલમાં જીવનજરૂરિયાત ચીજવસ્તુઓની ખરીદી માટે દોડ્યા હતા. અમદાવાદમાં બપોરે ૪૦ ડિગ્રીથી વધુ તાપની પરવા કર્યા વગર કેટલાય નાગરિકોએ ચીજવસ્તુઓ ખરીદવા માટે મૉલ અને દુકાનો બહાર લાઇન લગાવી હતી અને લૉકડાઉન થશે એવા ભયથી ચીજવસ્તુઓની ખરીદીમાં લાગી ગયા હતા. કાળુપુર ચોખાબજાર તેમ જ શાક માર્કેટમાં નાગરિકો ઊમટી પડ્યા હતા. 

રાજ્યમાં ત્રણ-ચાર દિવસનું લૉકડાઉન જરૂરી : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરને કારણે પરિસ્થિતિ ‘કાબૂ બહાર’ થતી જાય છે. આવું કહીને અદાલતે સૂચવ્યું હતું કે વિષાણુના ચેપની ચેઇન તોડવા માટે ત્રણ-ચાર દિવસનો કરફ્યુ કે લૉકડાઉન લાગુ કરવાની જરૂર છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની બેન્ચે આપમેળે લીધેલી એક પિટિશન સંબંધમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વાઇરસનો વધુ ફેલાવો રોકવા આ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજ્યમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. 

ગુજરાતમાં આજથી હવે ૨૦ શહેરોમાં રાત્રિ કરફ્યુ

ગુજરાત સરકારની કોર ગ્રુપની કમિટીએ ગઈ કાલે રાત્રે લીધેલા નિર્ણય મુજબ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કુલ ૨૦ શહેરોમાં રાત્રે ૮થી સવારે ૬ સુધીનો કરફ્યુ લાગુ રહેશે. આ સંચારબંધી ૩૦ એપ્રિલ સુધી રહેશે અને એ મુખ્ય ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત હવે જુનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, મહેસાણા, ગોધરા, પાટણ, મોરબી, ગાંધીધામ વગેરેનો સમાવેશ છે. લગ્નપ્રસંગોમાં ૨૦૦ને બદલે હવે ૧૦૦ જણની છૂટ રહેશે. રાજકીય અને સામાજિક મેળાવડા સ્થગિત કરાયા છે.

gujarat ahmedabad shailesh nayak