Cyclone MAHA Update:અમદાવાદ, વડાદરો, સુરત સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ

06 November, 2019 02:05 PM IST  |  Ahmedabad

Cyclone MAHA Update:અમદાવાદ, વડાદરો, સુરત સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોંતરશે તેવો ભય ટળ્યો છે અને હવે તે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે અસર વર્તાવશે. ત્યારે ગઇકાલે મોડી રાતથી આજે વહેલી સવારે પણ અમદાવાદ, સુરત, અમરેલી, આણંદ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોને પાકમાં ઘણુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


વાવાઝોડું અરબી સમુદ્રમાં જ નબળું પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જતાં હવે ગુજરાતમાં દરિયાકાંઠે કે અન્ય સ્થળોએ લોકોનું સ્થળાંતર કરવાનું પણ તમામ જિલ્લા તંત્રોએ રદ્દ કર્યું છે. આ દરમિયાન બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સમક્ષ તમામ બાબતોનું વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમને આ અંગે માહિતગાર કર્યા હતા. પંકજ કુમારે અહીં આ બેઠકમાં જ જણાવ્યું કે હજુ પણ જિલ્લા તંત્રો ખડેપગે જ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી. આ સાથે આગામી 12 કલાકમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશન બનીને આગળ વધશે. આજે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


દીવમાં ધોધમાર, ગીરગઢડા પંથકમાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ
વાવાઝોડાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાનો વીડિયો સામે આવ્યો છે તે કોડીનાર અને દીવ વચ્ચેના દરિયાનો હોવાનું જાણવા મળ્યું છે. ગીરગઢડા તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરજંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


કોડીનાર પંથકમાં ધીમી ધારે વરસાદ
કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વેરાવળના ભેટાળી ,રામપરા, કોડીદ્રા, કુકરાસ અને આજુબાજુના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે રાત્રીના ચાર વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ઉનામા ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ચોમાસું પાકની સાથે સાથે હવે શિયાળું પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરિયાઇ પટ્ટી વિસ્તારોમાં પણ વરસાદનું જોર છે. પરંતુ દરિયામાં હાલ કરન્ટ જોવા મળતો નથી.

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

અમરેલી જિલ્લામાં મહા વાવાઝોડાની અસર
મહા વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જાફરાબાદ તાલુકાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, ટીંબી, હેમાળ, દુધાળા, છેલાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના દરિયાઇ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભાના મોટા બારમણ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

gujarat rajkot ahmedabad baroda vadodara khoobsurat Gujarat Rains