આ બહેનને બિરદાવો : પચીસ કિલોમીટર ચાલીને છ ગામના છોકરાઓને પોલિયોની રસી પીવડાવી

25 September, 2022 09:45 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કચ્છમાં હાજીપીર સબ-સેન્ટરનાં કમ્યુનિટી હેલ્થ ઑફિસર પિન્કી પટેલે ત્રણ દિવસ સુધી પોલિયો અભિયાન હાથ ધરીને ભારત-પાકિસ્તાન બૉર્ડર વિસ્તાર પરનાં છેવાડાનાં ગામોમાં પહોંચીને છ ગામનાં ૭૦ બાળકોનું કર્યું પોલિયો રસીકરણ

ભટાર ગામના તળાવ પાસે પહોંચી જઈને પિન્કી પટેલે બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવ્યાં હતાં

દેશનાં બાળકોને સ્વસ્થ રાખવા માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત- પાકિસ્તાન બૉર્ડર પાસે હાજીપીર વિસ્તારમાં જ્યાં વાહનો પણ જઈ શકતાં નથી એવા દુર્ગમ અને છેવાડાનાં ગામોમાં જવા માટે પચ્ચીસેક કિલોમીટર ચાલીને હાજીપીર સબ-સેન્ટરનાં કમ્યુનિટી હેલ્થ ઑફિસર પિન્કી પટેલે ત્રણ દિવસ સુધી કામગીરી કરીને છ ગામોનાં ૬૦થી ૭૦ બાળકો સુધી પહોંચીને પોલિયો રસીનાં બે ટીપાં પીવડાવ્યાં હતાં અને આત્મસંતોષ માન્યો હતો.

દેશમાં પોલિયોમુક્ત ભારત અભિયાનના ભાગરૂપે શૂન્યથી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોની રસીનાં બે ટીપાં પીવડાવવામાં આવે છે ત્યારે ભુજ તાલુકામાં ધોરડો રણની નજીક જ્યાં પાણી ભરાયાં છે અને કાદાવ-કીચડ છે એવા વિસ્તારમાં વાહન પણ જઈ શકતાં નથી એવા એરિયામાં આવેલા મોટા ભીટારા, નાના ભીટારા, મોટા લુણા, નાના લુણા, બુરકલ, ગારવાંઢ ગામમાં ચાલતાં પહોંચી જઈને કોઈ ને કોઈ કારણસર રસી લેવાનું ટાળતા પરિવારોને સમજાવીને બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી.

પિન્કી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાજીપીર સબ-સેન્ટરમાં પોલિયોની કામગીરી હતી. આ રણ વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાયાં છે અને કાદવ-કીચડ પણ થઈ ગયાં છે. આ બૉર્ડર વિસ્તાર છે અને ત્યાંથી આગળ કોઈ ગામ નથી. આ ગામોમાં રહેતા ઘણા લોકો તેમનાં બાળકોને રસી પીવડાવવાથી દૂર રહે છે એટલે તેમને કન્વિન્સ કરવા મુશ્કેલ હોય છે. રસી આપવા જઈએ ત્યારે બહુ પ્રશ્નો પણ કરતા હોય છે અને કોઈ ને કોઈ કારણસર રસી લેવાનું ટાળતા હોય છે. અમે જ્યારે રસીકરણ માટે ગામમાં જઈએ ત્યારે ગામના છોકરાઓ અમને જોઈને તેમના ઘરમાં જતા રહે છે અને બહાર નીકળતા નથી. જોકે બાળકોના સારા સ્વાસ્થ્ય માટે રસીકરણ કરવું જરૂરી હોવાથી શિક્ષક, મેડિકલ ઑફિસર, ગામના સરપંચને સાથે રાખીને બાળકોનાં માતા-પિતાને સમજાવીને બાળકોને પોલિયોની રસી પીવડાવવા તૈયાર કર્યાં હતાં. નાના ભટાર અને મોટા ભટાર ગામ વચ્ચે અંદાજે ૧૦ કિલોમીટરનું અંતર છે. આ ગામોમાં જઈને પાછા ફરવાનું હોય છે. આ ગામોમાં હું ચાલીને ગઈ હતી. અંદાજે પચીસ કિલોમીટર ચાલીને હું છ ગામમાં પહોંચી હતી અને બાળકોને શોધ્યાં હતાં અને ત્રણ દિવસ દરમ્યાન આ કામગીરી કરીને બાળકોને પોલિયોની રસીનાં બે ટીપાં પીવડાવ્યાં હતાં. ભટારા ગામે તળાવે પહોંચીને બાળકોને રસીકરણ કર્યું હતું.’

gujarat gujarat news shailesh nayak kutch