પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીરપુર આવીને જલારામબાપાની માફી માગી લીધી જ્ઞાનપ્રકાશસ્વામીએ

08 March, 2025 11:14 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ-બંદોબસ્ત વચ્ચે સ્વામીને પાછલા બારણેથી જલારામબાપાના મંદિરમાં લઈ જવાયા હતા. 

જલારામબાપા

વિશ્વવંદનીય જલારામબાપા વિશે બફાટ કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશસ્વામીએ ગઈ કાલે વીરપુર આવીને જલારામબાપાની માફી માગી હતી. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ-બંદોબસ્ત વચ્ચે સ્વામીને પાછલા બારણેથી જલારામબાપાના મંદિરમાં લઈ જવાયા હતા. 

અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે જ્ઞાનપ્રકાશસ્વામી પોલીસ-બંદોબસ્ત સાથે વીરપુર જલારામબાપાના મંદિરમાં આવ્યા હતા. મંદિરના પાછલા દરવાજેથી પ્રવેશ કરીને તેમણે મંદિરમાં જલારામબાપાની તેમ જ રઘુરામબાપાની માફી માગી હતી અને નીકળી ગયા હતા.’

આ ઉપરાંત સ્વામીનારાયણ મંદિર વડતાલ ટેમ્પલ બોર્ડના ચૅરમૅન દેવસ્વામીએ એક પત્ર લખીને જણાવ્યું છે કે સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા જલારામબાપા વિશે જે નિવેદન કરવામાં આવ્યું છે એ વાહિયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી એટલે શિક્ષાપત્રીના આદેશ અનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ.

swaminarayan sampraday religious places religion hinduism gujarat gujarat news news