ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યા ત્રણ અવૉર્ડ

03 August, 2025 08:31 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

છેલ્લાં સાત વર્ષમાં ગુજરાતમાં ૬૫૭ અંગદાતાઓ તરફથી ૨૦૩૯ અંગોનાં દાન મળ્યાં હતાં જેનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગુજરાતે અંગદાન ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગઈ કાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાએ ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ અવૉર્ડ એનાયત કર્યા હતા. ગુજરાત સરકારને એક્સલન્સ ઇન પ્રમોશન ઑફ ઑર્ગન ડોનેશન, ન્યુ સુરત સિવિલ હૉસ્પિટલને બેસ્ટ નૉન ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગન રિટ્રીવલ સેન્ટર અને અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતે આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલ કૅટેગરીમાં અવૉર્ડ એનાયત થયા હતા. 

છેલ્લાં સાત વર્ષમાં ગુજરાતમાં ૬૫૭ અંગદાતાઓ તરફથી ૨૦૩૯ અંગોનાં દાન મળ્યાં હતાં જેનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. અંગદાનથી ૨૦૨૫ની ૩૦ જૂન સુધીમાં ૧૧૩૦ કિડની, ૫૬૬ લિવર, ૧૪૭ હૃદય, ૧૩૬ ફેફસાં, ૩૧ હાથ, ૧૯ પૅન્ક્રિયાઝ અને ૧૦ નાનાં આંતરડાં મળ્યાં છે જેના કારણે હજારો લોકોને નવજીવન મળ્યું છે.

gujarat organ donation medical information news gujarat news ahmedabad surat ministry of health and family welfare gujarat government