નરેન્દ્ર મોદીનું વતન વડનગર રચશે ઇતિહાસ?

22 September, 2025 08:57 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સમાવવા માટે અરજી કરવામાં આવી

વડનગરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે.

ભારતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થાન અને આશરે ૩૦૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતા ગુજરાતના વડનગરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. પૅરિસમાં યુનેસ્કોના મુખ્યાલય ખાતે ભારતના કાયમી પ્રતિનિધિમંડળે વડનગરની નૉમિનેશન ફાઇલ પ્રારંભિક મૂલ્યાંકન માટે સબમિટ કરી છે. આ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે કરવામાં આવી હતી.

આ સંદર્ભમાં ભારતના કાયમી રાજદૂત વિશાલ વી. શર્માએ જણાવ્યું હતું કે ‘લગભગ ૩૦૦૦ વર્ષના ઇતિહાસ સાથે વડનગર પ્રાચીનતા અને ૮૦૦-૯૦૦ બિફૉર ક્રાઇસ્ટ (BC)ના વારસાનો ખજાનો છે. આ ખાસ પ્રસંગે અમે વડા પ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. આ નૉમિનેશન ભારતની વધતી જતી વૈશ્વિક હાજરીને મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.’
બે તબક્કામાં પ્રક્રિયા પૂરી થશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવા માટેની પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થાય છે. પ્રથમ તબક્કામાં વર્લ્ડ હેરિટેજ સેન્ટર મૂલ્યાંકન કરે છે કે શું કોઈ સ્થળ ઉત્કૃષ્ટ સાર્વત્રિક મૂલ્ય દર્શાવે છે? શું એ સાંસ્કૃતિક કે કુદરતી મહત્ત્વના માપદંડોને પૂરા કરે છે અને શું પર્યાપ્ત સંરક્ષણ અને વ્યવસ્થાપન માળખાં અસ્તિત્વમાં છે? પ્રાથમિક મૂલ્યાંકન પછી જ કોઈ સ્થળને ઔપચારિક રીતે વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવાની પ્રક્રિયા આગળ વધે છે. હાલમાં ભારતમાં ૬૯ સ્થળો યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં સામેલ છે, જેમાંથી ઘણાં વર્ષોથી અંતિમ મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યાં છે.

વડનગરનો અનેરો ઇતિહાસ

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર આશરે ૨૭૦૦ વર્ષ સુધી સતત માનવ-વસાહતનો ઇતિહાસ ધરાવે છે. ગુજરાત પુરાતત્ત્વ નિયામક અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરવામાં આવેલા ખોદકામમાં બીજી સદી BCથી ૧૯મી સદી સુધીના સાત ક્રમિક સાંસ્કૃતિક સમયગાળાના પુરાવા મળ્યા છે. નામાંકન દસ્તાવેજ વડનગરની બહુપક્ષીય ભૂમિકા પર ભાર મૂકે છે. વડનગર એક સમયે કિલ્લેબંધી વસાહત, વ્યાપારી કેન્દ્ર, ધાર્મિક સ્થળ અને દરિયાઈ વેપારમાર્ગો પર એક મહત્ત્વપૂર્ણ જંક્શન હતું. પુરાતત્ત્વીય ખોદકામમાં બૌદ્ધ વિહાર, સ્તૂપ અને ઔદ્યોગિક વિસ્તારોના અવશેષો પણ મળી આવ્યા છે જે વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે.

gujarat news gujarat narendra modi gujarat government culture news unesco