30 January, 2025 10:18 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટૅબ્લોએ સતત ત્રીજા વર્ષે પૉપ્યુલર ચૉઇસ કૅટેગરીમાં પ્રથમ આવીને હૅટ-ટ્રિક
નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ૨૬ જાન્યુઆરીએ ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગે રજૂ કરેલા ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ’ ટૅબ્લોને પૉપ્યુલર ચૉઇસ કૅટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે અને સતત ત્રીજા વર્ષે પ્રથમ નંબર મેળવીને હૅટ-ટ્રિક કરી છે. ભારતનાં વિવિધ રાજ્ય સરકારના વિભાગોના ૩૧ ટૅબ્લો રજૂ થયા હતા. પરેડમાં રજૂ થતા વિવિધ ટૅબ્લો માટે લોકો ઑનલાઇન પોતાના વોટ આપીને પૉપ્યુલર ચૉઇસના શ્રેષ્ઠ ટૅબ્લોને પસંદ કરી શકે છે. એમાં ગુજરાતના ટૅબ્લોને સૌથી વધુ વોટ મળ્યા હતા અને પ્રથમ નંબરે આવતાં છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતનો ટૅબ્લો સતત ત્રીજી વખત પ્રથમ ક્રમે આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.