સુરતના કામરેજમાં ૨૬ આંગળીઓ સાથે બાળકીનો જન્મ

04 December, 2019 08:41 AM IST  |  Surat | Tejash Modi

સુરતના કામરેજમાં ૨૬ આંગળીઓ સાથે બાળકીનો જન્મ

આ બાળકીને છે 26 આંગળીઓ

બાળકનો જન્મ દરેક પરિવાર માટે ખુશીની ક્ષણો લઈને આવતો હોય છે. જોકે કેટલીક વખત બાળક જન્મે છે ત્યારે તેની સાથે કોઈ એવી ઘટના જોડાય છે કે પરિવાર સહિત ડૉક્ટરો પણ અચરજમાં મુકાઈ જતા હોય છે ત્યારે જન્મ લેતાં લાખો બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી પોલી ડેકટાઇલીનો કિસ્સો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક બાળકમાં જોવા મળ્યો હતો. કામરેજના માકણા ગામમાં રહેતા પરિવારમાં જન્મેલી બાળકીની સામાન્ય કરતાં છ આંગળીઓ વધુ છે.
સુરતના કામરેજ ખાતે આવેલી દેવકી હૉસ્પિટલમાં બે દિવસ પહેલાં એક બાળકીનો જન્મ થયો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના પ્રકાશભાઈ જાલન્ધ્રાનાં પત્ની પ્રભાબહેન ગર્ભવતી હતાં. તેમને પીડા ઊપડતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રત્નકલાકાર તરીકે કામ કરતા પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે ‘પત્ની પ્રભાબહેનની આ ચોથી પ્રસૂતિ હતી. એક બાળક અને બાળકી બાદ ત્રીજા બાળકનું અવસાન થયું હતું. પત્ની ચોથી વખત ગર્ભવતી હતી. ચોથી વખતમાં બાળકીનો જન્મ થયો છે તેને હાથ અને પગ પર કુલ મળીને ૨૬ આંગળીઓ છે. બાળકીને હાથમાં છ-છ અને પગમાં સાત-સાત આંગળીઓ છે. બાળકીના જન્મ પહેલાંના તમામ રિપોર્ટ નૉર્મલ હતા. બીજી ડિસેમ્બરે નૉર્મલ ડિલિવરીમાં બાળકીનો જન્મ થયો ત્યારે જ ૨૬ આંગળીઓ હોવાનું જાણીને ખૂબ નવાઈ થઈ હતી. પત્નીને આશ્ચર્યની સાથે ખુશી થઈ છે. અમારા પરિવાર અને ઘરની આસપાસ બાળકીને લઈને ખૂબ કુતૂહલ સર્જાયું છે અને લોકો જોવા આવી રહ્યા છે.
દેવકી હૉસ્પિટલના ગાયનેક ડૉ. હરેશ જિંજાલાએ જણાવ્યું હતું કે ટૂડી કે થ્રીડી સ્કેન નહોતા કરાવ્યા હતા, કારણ કે એ નૉર્મલી સ્કેનમાં હૃદય, કિડની વગેરે નૉર્મલ હતાં. જો ટૂડી કે થ્રીડી સ્કેન કરાવ્યું હોત તો ખ્યાલ આવ્યો હોત. જોકે બાળકીની નૉર્મલ પ્રસૂતિ થઈ હતી. જન્મ સમયે તેનું વજન પણ સાડાત્રણ કિલોનું હતું.

આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

જાણીતા સર્જ્યન ડૉ. જે. એચ. પંચાલે જણાવ્યું હતું કે ‘બાળકોને વધુ અંગ આવવા એ તેને મેડિકલી પોલી ડેકટાઇલી તરીકે ઓળખવામાં આવે છે. આવી ઘટના લાખો બાળકોમાં એકમાં બનતી હોય છે. માતાના ગર્ભમાં જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે વધારાનાં અંગો બનતાં હોય છે. આંગળીઓ ભલે વધારે હોય, પણ પરંતુ એના કારણે કોઈ તકલીફ થતી નથી. ભવિષ્યમાં ઑપરેશન વડે વધારાની આંગળીઓ કઢાવી શકાય છે.

gujarat surat