નિયમની ઐસીતૈસી : દિલદાર સુરતીઓએ સાત દિવસમાં એક કરોડ રૂપિયાનો દંડ ભર્યો

09 November, 2019 07:57 AM IST  |  Surat | Rashmin Shah

નિયમની ઐસીતૈસી : દિલદાર સુરતીઓએ સાત દિવસમાં એક કરોડ રૂપિયાનો દંડ ભર્યો

પ્રતિકાત્મક તસવીર

દેશભરમાં ટ્રાફિકના નવા નિયમનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત સરકારે કડક અમલ તો શરૂ કર્યો છે, પરતું દંડની રકમમાં વાહનચાલકોને રાહત જરૂર આપવામાં આવી છે. ટ્રાફિક-પોલીસ વિભાગની વિનંતી અને કડક કાર્યવાહી બાદ પણ વાહનચાલકો નિયમ પાળવા માટે તૈયાર નથી એને પગલે પોલીસ તેમની પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલી રહી છે. સુરત પોલીસે છેલ્લા આઠ દિવસમાં અંદાજે એક કરોડ રૂપિયાનો દંડ સુરત શહેરના વાહનચાલકો પાસેથી વસૂલ્યો છે.
દરરોજ થઈ રહેલા ઍક્સિડન્ટ સહિતની ઘટનાઓને રોકવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાની સમજ આવે એ માટે કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમ કડક કર્યા છે. નિયમો કડક કરવા સાથે સ્થાનિક દંડની રકમ અને સજાની જોગવાઈ બન્નેમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા નિયમો રાજ્ય સરકારોએ પોતાની રીતે લાગુ કર્યા છે, જેમાં ગુજરાત સરકારે લોકોને મંદીના માહોલમાં રાહત આપીને પહેલી વારના દંડમાં રાહત આપી હતી અને સાથે નિયમો લાગુ કરવાની અવધિમાં પણ વધારો કર્યો હતો. એમાં હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નંબર-પ્લેટ લગાડવા માટે ૩૧ ઑક્ટોબર સુધી જૂના નિયમ મુજબ દંડ વસૂલવાનો આદેશ કર્યો હતો. હવે જ્યારે સરકારે આપેલી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે ત્યારે ટ્રાફિક-પોલીસે વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પહેલી નવેમ્બરથી સુરત શહેર પોલીસે શહેરના અલગ-અલગ ૬૦ વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટ ટીમ મેદાનમાં ઉતારી છે.
ટ્રાફિક-પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં દરરોજ અંદાજે ૧૦ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ વિશે ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુમ્બે ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે પહેલી નવેમ્બરથી અમે કામગીરી શરૂ કરી છે, જેમાં સાત દિવસમાં એન્ફોર્સમેન્ટ વિભાગે કુલ ૧૬,૯૬૭ કેસ નોંધ્યા હતાં, જેમાં ૬૫,૫૧,૪૦૦ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. એ જ રીતે રિક્ષાચાલકો સામે ૫૦૫ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમની પાસેથી ૨,૨૬,૭૦૦ રૂપિયા વસૂલાયા હતા; તો ફોર-વ્હીલર વાહનચાલકો સામે માત્ર ૬૬ કેસ કરવામાં આવ્યા છે, જેમાં ૬૬,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આમ ટ્રાફિક-પોલીસની એન્ફોર્સમેન્ટ વિન્ગે ૨૦,૫૨૮ કેસ નોંધીને ૮૪,૨૭,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

આ પણ જુઓઃ કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

ટ્રાફિક પોલીસ ઉપરાંત સુરત શહેરમાં આવેલાં પોલીસ-મથકો અને કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ દ્વારા સીસીટીવી કૅમેરા દ્વારા પણ વાહનચાલકોને દંડ ફટકારાયો હતો. જોકે કેટલાક વાહનચાલકોએ દંડ ન ભરતાં તેમને કોર્ટ અને આરટીઓનો મેમો આપવામાં આવ્યો હતો. ડીસીપી સુમ્બેનું કહેવું છે કે જે ટૂ-વ્હીલરચાલકોને દંડ કરવામાં આવ્યો છે તેમણે હેલ્મેટ નહોતી પહેરી, તો અન્યોએ પોતાની સાથે ડૉક્યુમેન્ટ રાખ્યા નહોતા. અમારી લોકોને અપીલ છે કે તેઓ નિયમોનું પાલન કરે, અમારો ઉદ્દેશ લોકોને હેરાન કરવાનો જરાય નથી. જેઓ નિયમ પાળે છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

gujarat surat