કુપોષિત બાળકને દત્તક લો: કચ્છી જૈનોને પાટીલની અપીલ

15 May, 2022 08:45 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મ.સા. ઍડ્વાન્સ રિસર્ચ ફૉર જૈન સ્ટડીઝનું સી. આર. પાટીલે કર્યું લોકાર્પણ

ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત જૈન સમાજના આગેવાનો સહિતના લોકો

કચ્છના વડા મથક ભુજમાં યોજાયેલા જૈન સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બીજેપી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જૈન સમાજને એક કુપોષિત બાળકને દત્તક લેવા અપીલ કરી હતી.

ભુજમાં આવેલી ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર અને તેરા તુઝ કો અર્પણ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મ.સા. ઍડ્વાન્સ રિસર્ચ સેન્ટર ફૉર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી આઇ.એ.એસ. ટ્રેઇનિંગ સેન્ટરનો સી. આર. પાટીલે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ૧૦૮ ટ્રક ઘાસ વિતરણ, પશુ ઍમ્બ્યુલન્સ લોકાર્પણ, અદાણી ફાઉન્ડેશન દ્વારા ૭૪૦ સુપોષિત કિટ આંગણવાડીનાં બાળકોને આપવામાં આવી હતી અને જૈન સમાજ દ્વારા સી. આર. પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. રજતતુલામાંથી પાંચ લાખ રૂપિયાનું રજત વિવિધ સંસ્થાઓને જીવદયાનાં કાર્યો માટે આપવામાં આવશે.

ભુજમાં ગઈ કાલે યોજાયેલા જૈન સમાજના કાર્યક્રમમાં સંબોધન કરી રહેલા સી. આર. પાટીલ

આ પ્રસંગે સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘વડા પ્રધાનની હાકલ બાદ ગુજરાત પ્રદેશ એકમ દ્વારા રાજ્ય સરકાર સાથે મળીને ત્રણ મહિનામાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાનું આયોજન કર્યું છે. જૈન સમાજના આગેવાનો સહિત આપ સૌને અપીલ કરું છું કે એક કુપોષિત બાળકને દત્તક લો. કુપોષિત બાળકોને દૈનિક આહાર પહોંચાડો.’ આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડૉ. નિમા આચાર્ય, જૈન આગેવાનો અને જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

gujarat gujarat news shailesh nayak