શંકરસિંહનું શક્તિદળ શક્તિપ્રદર્શન કરશેઃ અમદાવાદ શહેરમાં કરશે ફ્લેગમાર્ચ

12 October, 2019 10:32 AM IST  |  અમદાવાદ

શંકરસિંહનું શક્તિદળ શક્તિપ્રદર્શન કરશેઃ અમદાવાદ શહેરમાં કરશે ફ્લેગમાર્ચ

શંકરસિંહ વાઘેલા

આગામી રવિવારે શંકરસિંહનું સંગઠન શક્તિદળના સૈનિકો અમદાવાદ શહેરના રોડ-રસ્તા ગજાવતું પસાર થશે અને એ શહેરના રિવરફ્રન્ટ ખાતે ટાગોર હૉલની પાછળ ઇવેન્ટ સેન્ટર ખાતે શિબિરના રૂપમાં ફેરવાશે ત્યારે શહેરીજનોને શંકરસિંહ જ્યારે કૉન્ગ્રેસમાં હતા ત્યારે જે રીતે શક્તિદળના સૈનિકોની એક ડ્રેસમાં નીકળેલી શિસ્તબધ્ધતા જોવા મળશે.

આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતાં શક્તિદળના સંસ્થાપક શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષની કરોડરજ્જુ એની સંગઠનશક્તિ છે. શક્તિદળમાં ૧૮થી ૪૫ વર્ષનાં ભાઈઓ અને બહેનોની ભરતી કરવામાં આવશે અને પ્રજાના પ્રશ્નોને તેમનાં સુખદુઃખમાં ભાગીદાર થઈને હરહંમેશ મદદરૂપ થવા માટે શક્તિદળ તૈયાર હશે. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે થવાનો છે અને એમાં યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયાસ છે.

આજના યુવાનોમાં ખૂબ જ શક્તિ રહેલી છે, પરંતુ તેને યોગ્ય દિશા મળે તો ઘણુંબધું કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. આ કાર્યક્રમ અનુસંધાને શક્તિદળના સંયોજક પ્રો. કિશોરસિંહ સોલંકીએ વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે રિવરફ્રન્ટ ખાતે ૧૦,૦૦૦ સૈનિકોની તાલીમ શિબિર સંપૂર્ણ ડ્રેસ સાથે સવારે ૧૧૦ વાગ્યાથી બે વાગ્યા સુધી રાખવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 2020 સુધીમાં 1000 સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશેઃ વિજય રૂપાણી

તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદને શક્તિદળની શિબિર પછી ડિસેમ્બરના અંત સુધીમાં સુરત ખાતે પછીથી રાજકોટ અને ત્યાર બાદ વડોદરા ખાતે આ પ્રકારની તાલીમ શિબિરો રાખવામાં આવશે. આમ ગુજરાતમાંથી એક વર્ષમાં એક લાખ સૈનિકોની ભરતી કરવામાં આવશે.

gujarat ahmedabad