સુરત જિલ્લા પર મેઘરાજા મહેરબાન

23 June, 2022 09:15 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૬ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો

ફાઇલ તસવીર

છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. એમાં પણ ગઈ કાલે સુરત જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય એમ વરસ્યા હતા. એમાં પણ કામરેજમાં તો બે કલાકમાં જ સવાત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૬ તાલુકામાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૮૫ મિલીમીટર એટલે કે સવાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લાના પલસાણામાં ૩૨ મિલીમીટર, ઉમરપાડા તાલુકામાં ૩૧ મિલીમીટર એટલે કે સવા ઇંચ જેટલો તેમ જ મહુવા તાલુકામાં ૧૭ મિલીમીટર અને બારડોલી તાલુકામાં પાંચ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લા ઉપરાંત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં ૪૯ મિલીમીટર એટલે કે બે ઇંચ જેટલો અને ધરમપુર તાલુકામાં ૩૯ મિલીમીટર એટલે કે સવા ઇંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકાના અંકલેશ્વરમાં ૨૩ મિલીમીટર અને ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ ૨૩ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news Gujarat Rains Weather Update surat