ગુજરાતમાં મેઘ તાંડવ, કુલ ૬૩નાં મોત

12 July, 2022 08:50 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ડેડિયાપાડા તાલુકામાં ૧૮ ઇંચ અને ઉમરપાડામાં ૧૪ ઇંચ વરસાદ: નર્મદા, વલસાડ, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં અનેક ગામ બેટમાં ફેરવાયાં: ૧૦,૬૭૪ લોકોનું સ્થળાંતર કરાયું: રાહત અને બચાવ માટે એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની ૧૮-૧૮ ટીમ તહેનાત

ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં પાણીના સ્તરમાં થયો વધારો

179 - ગુજરાતના આટલા તાલુકમાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો

મેઘરાજાએ ગઈ કાલે ગુજરાતના નર્મદા જિલ્લાને ધમરોળ્યું હતું. નર્મદા જિલ્લાના  ડેડિયાપાડા તાલુકામાં બારેમેઘ ખાંગા થયા હતા અને ૧૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ મુશળધાર ૧૪ ઇંચ વરસાદ પડ્યો હતો. સાંબેલાધાર વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયાં હતાં અને જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ૬૩ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને ૧૦,૬૭૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગઈ કાલે મેઘરાજાએ નર્મદા જિલ્લામાં ખાનાખરાબી સર્જી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૧૧ ઇંચ જેટલો, નાંદોદમાં ૧૦ ઇંચથી વધુ, સાગબારામાં સાડાઆઠ ઇંચ અને ગરુડેશ્વર તાલુકામાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.નર્મદા જિલ્લા ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૪ ઇંચ વરસાદ અને માંગરોળ તાલુકામાં ૫ ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૧૦ ઇંચ, આહવા તાલુકામાં ૮ ઇંચથી વધુ અને વઘઈ તાલુકામાં ૫ ઇંચથી વધુ, વલસાડ જિલ્લાના કપરાડામાં ૯ ઇંચ, ધરમપુરમાં સાડાછ ઇંચ, વાપીમાં ૫ ઇંચ, વલસાડમાં ૪ ઇંચથી વધુ, તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૭ ઇંચથી વધુ અને ઉચ્છલ તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

નવસારીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડતા પોલીસ જવાન

ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ૧૭૯ તાલુકામાં વરસાદ પડ્યો હતો. એમાં પણ નર્મદા, વલસાડ, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં અનેક ગામ બેટમાં ફેરવાયાં હતાં.

ગુજરાતના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદની વિગતો આપતાં પત્રકારોને કહ્યું હતું કે ‘રાજયમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ૧૮ અને એસ.ડી.આર.એફ.ની ૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદર જિલ્લામાંથી કુલ ૧૦,૬૭૪ નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, જેમાંથી ૬૮૫૩ નાગરિકો ઘરે પાછા ફર્યા છે, જ્યારે ૩૮૨૧ નાગરિકો આશ્રયસ્થાનમાં આશ્રય લઈ રહ્યા છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લાઓમાંથી અંદાજે ૫૦૮ લોકોને રેસ્ક્યુ કરાયા છે.’
તેઓએ કહ્યું હતું કે ‘૨૦૨૨ની ૧ જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૩ માનવ મૃત્યુ થયાં છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ માનવ મૃત્યુ થયાં છે. જે મૃત્યુ થયાં છે એમાં સૌથી વધુ ૩૩ વીજળી પડવાથી, ૮ દીવાલ પડવાથી, ૧૬ પાણીમાં ડૂબવાથી, ૫ ઝાડ પડવાથી અને એક મૃત્યુ વીજળીનો થાંભલો પડી જવાથી થયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં અંદાજે ૨૭૨ પશુઓનાં મૃત્યુ થયાં છે.’

gujarat gujarat news Gujarat Rains Weather Update shailesh nayak