જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આભ ફાટ્યું

04 July, 2026 10:17 AM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

૪ કલાકમાં સાંબેલાધાર ૧૨ ઇંચ સાથે કુલ ૨૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો : માળિયા-હાટીનામાં મુશળધાર ૧૪ ઇંચ વરસાદ : સાડાતેર ઇંચ સાંબેલાધાર વરસાદથી ડાંગનું વઘઈ અને સુરત જિલ્લાનો અંબિકા તાલુકો થયાં લથબથ

ડાંગની અંબિકા નદીમાં પૂર આવતાં ગીરા ધોધ છલકાયો હતો

મેઘરાજા ગઈ કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાણે કે અનરાધાર વરસ્યા હતા. એમાં પણ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આભ ફાટ્યું હતું. અહીં ૪ કલાકમાં સાંબેલાધાર ૧૨ ઇંચ સાથે કુલ ૨૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એને કારણે માંગરોળ જાણે કે જળમગ્ન થઈ ગયું હોય એવો માહોલ સર્જાયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૧૫૬ તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ પડ્યો હતો. ૭ તાલુકામાં ૧૨ ઇંચથી વધુ, ૧૫ તાલુકામાં ૮ ઇંચથી વધુ, ૩૩ તાલુકામાં ૩ ઇંચથી વધુ અને ૪૬ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.  

જૂનાગઢ જિલ્લાના માળિયા-હાટીનામાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો તો સાડાતેર ઇંચ સાંબેલાધાર વરસાદથી ડાંગનું વઘઈ અને સુરત જિલ્લાનો અંબિકા તાલુકો લથબથ થઈ ગયાં હતાં.

ડાંગના સુબીરમાં ૧૩ ઇંચ, જૂનાગઢના મેંદરડામાં સાડાબાર ઇંચ વરસાદ, કેશોદમાં ૧૨ ઇંચથી વધુ, તાપીના ડોલવણમાં ૧૨ ઇંચ જેટલો, નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલીમાં ૧૦-૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એને કારણે કંઈકેટલીયે જગ્યાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં અને સ્થાનિકો પારાવાર હાલાકીમાં મુકાઈ ગયા હતા.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પાણી આવતાં લો લેવલ કૉઝવે પર પાણી ફરી વળતાં સંખ્યાબંધ રસ્તાઓ અવરોધાયા હતા અને એકથી બીજાં ગામોનો સંપર્ક કપાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં અંબિકા, કાવેરી, ઓલણ, પૂર્ણા નદીઓમાં ધસમસતાં પાણી વહ્યાં હતાં.

ભારે વરસાદને પગલે ડાંગમાં અંબિકા નદીમાં ભરપૂર પાણી આવતાં ગીરા ધોધ છલકાયો હતો.

વલસાડમાં ૮ ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબોળ થયા હતા જેને કારણે સ્થાનિકોની હાલત કફોડી થઈ ગઈ હતી.

કડીમાં ગુરુવારે મોડી રાતે બેથી ૪ વાગ્યાના બે કલાકમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી.

ડાંગમાં ખાપરી નદીમાં જળસ્તરમાં વધારો થયો હતો અને પૂર આવ્યું હતું. એને કારણે નીલશાક્યા ગામ પાસે ડૅમના બાંધકામ માટે આવેલા ૪૧ પરપ્રાંતીય શ્રમિકો નદીકાંઠે ફસાઈ ગયા હતા. વહીવટી તંત્રને જાણ થતાં જ પોલીસ સાથે મળીને રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢી મૂળચોન્ડ ગામે હનુમાનજી મંદિરમાં આશ્રય આપ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના માણાવદરના બૂરી ગામે પાણીમાં ફસાયેલા ૧૦ કર્મચારીઓને હોમગાર્ડની ટીમે રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢ્યા હતા. 

saurashtra junagadh monsoon news Weather Update gujarat gujarat news surat valsad