કેજરીવાલે અમદાવાદના ધાર્મિક સ્થાનમાં રાજકારણની વાતો છેડતાં ઊઠ્યા સવાલો

15 June, 2021 01:57 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા ગઈ કાલે આવેલા પક્ષના વડા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આવેલા ધાર્મિક સ્થળ વલ્લભ સદનમાં પ્રેસ કૉન્ફરન્સ યોજીને રાજકારણની વાત કરતાં સવાલો ઊઠ્યા છે.

કેજરીવાલે ગઈ કાલે અમદાવાદમાં ધાર્મિક સ્થળ વલ્લભ સદનમાં દર્શન કર્યાં પછી પત્રકાર પરિષદ યોજી હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા ગઈ કાલે આવેલા પક્ષના વડા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આવેલા ધાર્મિક સ્થળ વલ્લભ સદનમાં પ્રેસ કૉન્ફરન્સ યોજીને રાજકારણની વાત કરતાં સવાલો ઊઠ્યા છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજેપીની ‘બી’ ટીમ હોવાનો આક્ષેપ કૉન્ગ્રેસે કર્યો હતો.

આમ આદમી પાર્ટીનું ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર ગઈ કાલથી શરૂ થયું. દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એનું ઉદ્ઘાટન કર્યું હતું. આમ આદમી પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સ પ્રદેશ કાર્યાલયમાં કરવાના બદલે આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદનમાં કરી હતી. મંદિરમાં કૃષ્ણ ભગવાનનાં દર્શન કરીને વલ્લભ સદનના હૉલમાં કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. ધાર્મિક સ્થળે ભાવિકો જ્યાં ભગવાનનાં દર્શન કરવા આવતા હોય ત્યાં રાજકારણની વાત છેડાતાં અને એક બીજા પક્ષ સામે આંગળી ચિંધવાનું કામ થતાં ભાવિકોમાં નારાજગી ફેલાઈ છે. એવા સવાલો પણ ઊઠ્યા હતા કે એવી તો શું જરૂર હતી કે ધાર્મિક સ્થળમાં આમ આદમી પાર્ટીની કૉન્ફરન્સ યોજાઈ.

ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ‘બી’ ટીમ છે. બીજેપીનો ફાયદો કરાવવા આ પાર્ટી ગુજરાત આવી છે. ગુજરાતમાં બીજેપી તમામ મોરચે નિષ્ફળ રહેતાં આમ આદમી પાર્ટી ‘બી’ ટીમ બનીને ગુજરાતમાં આવી છે.’

કૉન્ગ્રેસ ગુજરાતમાં બીજેપીના ખિસ્સામાં છે : કેજરીવાલ
ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના કેજરીવાલે ગઈ કાલે આક્ષેપો કરવાની સાથે બીજાં ઘણાં નિવેદનો આપ્યાં હતાં...
 ગુજરાતમાં કૉન્ગ્રેસ બીજેપીના ખિસ્સામાં છે.
 છેલ્લાં ૭૫ વર્ષ મોટા ભાગે કૉન્ગ્રેસ અને બીજેપીની સત્તાની કહાની છે અને આજે ગુજરાતની જે હાલત છે એ બીજેપી અને કૉન્ગ્રેસની સરકારોની કારસ્તાની છે.
 પાછલાં ૨૭ વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે, પણ છેલ્લાં ૨૭ વર્ષ આ બન્ને પાર્ટીની ગઠજોડની કહાની છે. બન્ને પાર્ટીઓની દોસ્તીની કહાની છે. કહેવાય છે કે કૉન્ગ્રેસ બીજેપીના ખિસ્સામાં છે. જ્યારે-જ્યારે બીજેપીને જરૂરત પડે છે ત્યારે માલ કૉન્ગ્રેસ સપ્લાય કરે છે, આવું કેમ ચાલશે?
 આજે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતની સરકારી સ્કૂલો–હૉસ્પિટલોની બૂરી હાલત છે. ગુજરાતના વેપારીઓ ડરેલા છે. કોરોનાકાળ દરમ્યાન જે રીતે ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું તો લાગ્યું કે ગુજરાતના લોકોનો ખ્યાલ રાખનાર કોઈ નથી. ગુજરાતમાં બેઠેલો દરેક વ્યક્તિ જોઈ રહ્યો છે કે જો દિલ્હીમાં વીજળી મફત થઈ શકે, ૨૪ કલાક વીજળી થઈ શકે તો ગુજરાતમાં વીજળી આટલી મોંઘી કેમ?
 દિલ્હીમાં હૉસ્પિટલ–સ્કૂલ પાંચ વર્ષમાં સરસ થઈ શકે તો ૭૦ વર્ષમાં ગુજરાતમાં હૉસ્પિટલ અને સ્કૂલ સરસ કેમ નહીં? પણ હવે થશે, હવે બદલાશે ગુજરાત. ગુજરાતના ૬ કરોડ લોકો સાથે મળીને ગુજરાત બદલાશે. ગુજરાતમાં આપ વિધાનસભાની બધી બેઠકો પરથી ચૂંટણી લડશે.

પત્રકાર ઇશુદાન ગઢવી ‘આપ’માં જોડાયા
આમ આદમી પાર્ટી (આપ)માં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતી ચૅનલ વી-ટીવીના ભૂતપૂર્વ ઍડિટર ઇશુદાન ગઢવી જોડાયા હતા. કેજરીવાલે વલ્લભ સદનમાં ઇશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને તેમને પક્ષમાં આવકાર્યા હતા. આપમાં જોડાયા બાદ ઇશુદાન ગઢવીએ અપીલ કરતાં કહ્યું હતું કે ‘તમારો ભાઈ આપણા ગુજરાત માટે, ગુજરાતની અસ્મિતા માટે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માટે, ખેડૂત, વેપારીઓ, મહિલાઓ માટે મેદાનમાં ઊતર્યો છે, હવે સાથ આપશો.’

gujarat shailesh nayak ahmedabad arvind kejriwal