બા-બાપુજી ના પાડે છે

17 June, 2022 09:05 AM IST  |  Ahmedabad | Rashmin Shah

કંઈક આવા જ જવાબ સાથે પાટીદાર સમાજના અગ્રણી એવા નરેશ પટેલે ગઈ કાલે પૉલિટિક્સમાં જૉઇન નહીં થવાનો નિર્ણય જાહેર કર્યો. સર્વેના આંકડા આપતાં નરેશભાઈએ કહ્યું પણ ખરું કે ૮૦ ટકા યંગસ્ટર્સ અને પ૦ ટકા મહિલાઓની ઇચ્છા હતી કે તેઓ રાજકારણમાં આવે, પણ વડીલોની ના આવી

નરેશ પટેલ

ખોડલધામના સ્થાપક, ગુજરાતના જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને લેઉવા પટેલ સમાજના અગ્રણી એવા નરેશ પટેલે ગઈ કાલે ઑફિશ્યલી જાહેરાત કરી હતી કે તેઓ સક્રિય રાજકારણમાં જોડાશે નહીં. લગભગ સવાત્રણ મહિના પહેલાં નરેશભાઈએ એવું અનાઉન્સ કર્યું હતું કે સમાજની ઇચ્છા જાણીને તેઓ નિર્ણય કરશે કે ઍક્ટિવ પૉલિટિક્સમાં જોડાવું કે નહીં. ગઈ કાલે નરેશભાઈએ કહ્યું હતું કે પાટીદાર યંગસ્ટર્સ અને મહિલાઓ ઇચ્છે છે કે તેઓ રાજકારણમાં આવે પણ વડીલોની ના હોવાથી તેમણે નક્કી કર્યું છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે નહીં અને બહારથી જ સમાજનાં કાર્યો ચાલુ રાખશે. ગઈ કાલે નરેશભાઈએ બોલાવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં રાજકીય આટાપાટાના એક્સપર્ટ એવા પ્રશાંત કિશોર પણ વિડિયો કૉન્ફરન્સથી જોડાવાના હતા પણ અનિવાર્ય સંજોગોસર એ કૉન્ફરન્સમાં જોડાયા નહોતા. રાજકારણમાં નહીં જોડાવાનું અનાઉન્સ કર્યા પછી નરેશ પટેલે કહ્યું હતું કે હવે તેઓ ખોડલધામના બાકીના સંકુલનું કામ આગળ વધારશે અને ભવિષ્યમાં ખોડલધામમાં જ પૉલિટિકલ ઍકૅડેમી શરૂ કરશે જ્યાં સક્રિય રાજકારણના પાઠ ભણાવવામાં આવશે.

ધારણા મુજબનો જ નિર્ણય
આ અગાઉ ‘મિડ-ડે’એ કહ્યું હતું કે નરેશ પટેલ ગમે એટલી મુદત આપે પણ તેઓ સક્રિય રાજકારણમાં જૉઇન નહીં થાય અને એવું જ બન્યું. આવું થવા પાછળનું કારણ પણ સ્પષ્ટ છે. પટેલ કૉન્ગ્રેસી માનસિકતા ધરાવે છે પણ ગુજરાતમાં અત્યારે કૉન્ગ્રેસના અસ્તિત્વ પર પણ જોખમ છે. આવા સમયે કૉન્ગ્રેસ સાથે જોડાવાનો અર્થ પૉલિટિકલી સુસાઇડ પુરવાર થાય એમ હતો તો બીજેપી અને આમ આદમી પાર્ટી પણ નરેશભાઈને લેવા તૈયાર હતા, પણ બીજેપીમાં તેઓ સીધા સેનાપતિ બની શકે એમ નહોતા; જ્યારે આમ આદમી પાર્ટી ગમે એવું જોર કરી લે તો પણ એ રાજ્યમાં બીજા નંબરની જ પાર્ટી બની રહે. આખી જિંદગી ફ્રન્ટ રૉમાં બેઠેલા નરેશ પટેલને બીજા નંબરની પાર્ટી પણ માફક આવે નહીં. સરવાળે વાત સ્પષ્ટ હતી કે તેઓ આ વિધાનસભા ઇલેક્શનમાં કોઈ પૉલિટિકલ પાર્ટી સાથે સીધો સંબંધ જોડવાને બદલે સક્રિય રાજકારણથી દૂર રહે અને એવું જ બન્યું. તેમણે ઓફિશ્યલી ના પાડી દીધી અને પોતાની ના પાછળ તેમણે વડીલોને આગળ ધર્યા.

gujarat gujarat news gujarat politics Rashmin Shah