સુરતમાં આઠ-આઠ ફુટ જેટલાં પાણી વચ્ચે નનામી રેસ્ક્યુ...

15 August, 2020 07:37 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સુરતમાં આઠ-આઠ ફુટ જેટલાં પાણી વચ્ચે નનામી રેસ્ક્યુ...

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં એક મૃતકની નનામી રેસ્કયુ-બોટમાં મૂકીને બહાર લવાઈ હતી.

એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ખાડીનાં પાણી ફરી વળતાં ગઈ કાલે સુરતના હાલ-બેહાલ થયા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ૮ ફુટ જેટલાં પાણી ભરાતાં એક મૃતકની અંતિમવિધિમાં તકલીફ ઊભી થઈ હતી. જોકે સુરતના ફાયરબ્રિગેડે ૮ ફુટ પાણીમાંથી મૃતકની નનામી રેસ્ક્યુ-બોટમાં મૂકીને બહાર કાઢી હતી અને પરિવારજનોએ સ્મશાનમાં લઈ જઈને અંતિમવિધિ કરી હતી.

સુરતમાં ગઈ કાલે આકાશી આફતરૂપી વરસાદ પડ્યા બાદ સુરતના અનેક વિસ્તારોમાં ખાડીનાં પાણી ફરી વળતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક વ્યક્તિનુ મૃત્યુ થયું હતું, પરંતુ અંતિમવિધિ માટે હાલાકી પડી હતી અને ડેડ-બૉડી લઈ જવા માટે વૅન બોલાવી હતી.

સુરત શહેરના ચીફ ફાયર ઑફિસર બસંત પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા વ્રજભૂમિ અપાર્ટમેન્ટમાં રહેતા વલ્લભદાસ લાઠીનું મૃત્યુ થતાં તેમની ડેડ-બૉડી લઈ જવા માટે વૅન જોઈતી હોવાનો કોલ આવ્યો હતો. અમારી ઍમ્બ્યુલન્સ ડેડ-બૉડી લેવા ત્યાં ગઈ હતી, પરંતુ પર્વત પાટિયા વિસ્તારમાં ૮ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે ઍમ્બ્યુલન્સ જઈ શકે એમ નહોતી. ત્યાર બાદ ડેડ-બૉડી બહાર લઈ આવવા માટે રેસ્ક્યુ-બોટ અંદર મોકલવામાં આવી હતી અને એમાં નનામી મૂકીને મૃતકનાં સગાંવહાલાંઓને એમાં બેસાડીને બહાર લાવ્યા હતા અને મૃતકની અંતિમવિધિ માટે સ્મશાને પહોંચાડ્યા હતા.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સુરત શહેરમાં પડેલા અતિભારે વરસાદને પગલે સુરત ફાયર અને ઇમર્જન્સી વિભાગ દ્વારા પર્વત પાટિયા, સણિયા હેમાદ ગામ, ગાયત્રીનગર, ચોર્યાસી ડેરી, કમરુનગર, મીઠી ખાડી, પોલારિશ માર્કેટ, ગણેશનગર, સારોલી, કુંભારિયામાંથી ૨૭૦ જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પાણીમાંથી બહાર કાઢ્યા હતા.’

અમારી ઍમ્બ્યુલન્સ ડેડ-બૉડી લેવા ત્યાં ગઈ હતી, પરંતુ પર્વત પાટિયા વિસ્તારમાં ૮ ફુટ જેટલાં પાણી ભરાયાં હતાં જેને કારણે ઍમ્બ્યુલન્સ ત્યાં જઈ શકે એમ નહોતી એથી ડેડ-બૉડી બહાર લઈ આવવા માટે રેસ્ક્યુ-બોટ અંદર મોકલાઈ હતી.
- બસંત પરીખ, સુરતના ચીફ ફાયર ઑફિસર

shailesh nayak gujarat surat ahmedabad vadodara Gujarat Rains