કચ્છમાં મેઘો મહેરબાન માંડવી, મુંદ્રામાં પાંચ ઇંચ

17 August, 2020 01:00 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

કચ્છમાં મેઘો મહેરબાન માંડવી, મુંદ્રામાં પાંચ ઇંચ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ગઈ કાલે જાણે કે કચ્છ ઉપર મેઘરાજા મહેરબાન થયા હોય એમ કચ્છના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. એમાં પણ માંડવી અને મુંદ્રા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતમાં સતત ચોથા દિવસે પણ લિંબાયત, કમરૂનગર, પરવત પાટિયા, મીઠી ખાડી વિસ્તારમાં ખાડીનાં પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહીશોની હાલત કફોડી બની ગઈ છે.

ગઈ કાલે કચ્છના માંડવી અને મુંદ્રા શહેર તેમ જ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં માંડવી અને મુંદ્રા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવનને અસર પહોંચી હતી. એમાં પણ મુંદ્રા તાલુકામાં ચાર કલાકમાં ચાર ઇંચ અને ગાંધીધામ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાયમન્ડ સિટી સુરતમાં હજી પણ ખાડીનાં પાણી ઓસરવાનું નામ નહીં લેતાં લિંબાયત, કમરૂનગર, પરવત પાટિયા, મીઠી ખાડી વિસ્તાર તેમ જ સણિયા હેમદ ગામમાં ખાડીનાં પાણી ભરાઈ રહ્યાં છે. પાણી સતત ચોથા દિવસે પણ ભરાઈ રહેતાં અને વિનાશ વેરતાં આ વિસ્તારોના નાગરિકોના હાલ બેહાલ થઈ ગયા છે. મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતાં ગઈ કાલે નદીમાં મગરો દેખાયા હતા.

gujarat ahmedabad surat mandvi vadodara kutch Gujarat Rains shailesh nayak