સીઝનમાં પહેલી વાર સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીનું પાણી છોડાયું

13 August, 2022 08:45 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ડૅમની જળસપાટી ૧૩૪ મીટરે પહોંચી, ડૅમના પાંચ દરવાજા ૦.૩ મીટર ખોલાયા, વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાનાં નર્મદા નદીકાંઠાનાં ગામડાંને અલર્ટ કરાયાં

ડૅમના પાંચ દરવાજા ૦.૩ મીટર ખોલાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડૅમમાંથી ગઈ કાલે નર્મદા નદીનું પાણી સીઝનમાં પહેલી વાર છોડવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે આવેલા આ ડૅમની જળસપાટીમાં સતત વધારો થતાં ડૅમના પાંચ દરવાજા ૦.૩ મીટર ખોલીને દસ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ડૅમમાંથી પાણી છોડાતાં વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાનાં નર્મદા નદીકાંઠાનાં ગામડાંઓને અલર્ટ કરાયાં હતાં.

નર્મદા ફ્લડ કન્ટ્રોલનાં સૂત્રોના કહેવા મુજબ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે સરદાર સરોવરમાં પાણીનો ઇનફ્લો ૨,૨૧,૨૯૯ ક્યુસેક હતો, જ્યારે આઉટફ્લો ૬૮,૯૮૨ ક્યુસેક હતો અને ડૅમની જળસપાટી ૧૩૪ મીટરે પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા ડૅમ વિભાગ તરફથી મળેલી માહિતી પ્રમાણે સરદાર સરોવર ડૅમમાં દર કલાકે આશરે સરેરાશ ૩થી ૪ સેન્ટિમીટર પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો હતો. જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૭૮૬૧ મિલ્યન ક્યુબિક મીટર નોંધાયેલું છે. છેલ્લા ૨૫ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડૅમની જળસપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં છેલ્લા ૨૫ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવૉટની ક્ષમતાવાળા ૬ યુનિટ સરેરાશ ૨૪ કલાક કાર્યરત હોવાથી દરરોજ સરેરાશ ૪ કરોડ રૂપિયાની ૨૦ મિલ્યન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે એને લીધે નર્મદા નદી હાલમાં બેકાંઠે વહી રહી છે. આ ઉપરાંત ૫૦ મેગાવૉટની ક્ષમતાવાળા ૪ કનૅલ હેડ પાવરહાઉસ કાર્યરત છે અને સરેરાશ ૯૮ લાખ રૂપિયાની ૪.૮ મિલ્યન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કનૅલ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે.

ગઈ કાલે સરદાર સરોવર ડૅમના દરવાજા ખોલાતાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ફરવા આવેલા સહેલાણીઓને સરપ્રાઇઝ રીતે નયનરમ્ય નજારો જોવા મળતાં ખુશીની લહેર પ્રસરી હતી અને સહેલાણીઓએ ડૅમમાંથી પડતી જળરાશિને જોવા ધસારો કર્યો હતો.

gujarat gujarat news shailesh nayak