ગુજરાતમાં ભડકો

03 November, 2019 08:28 AM IST  |  અમદાવાદ | રશ્મિન શાહ

ગુજરાતમાં ભડકો

રાજ શેખાવત

કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતની ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવતાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાની કરણી સેના ગઈ કાલે રાતે રસ્તા પર ઊતરી આવી હતી અને રાજ શેખાવત સામે લાગુ કરવામાં આવેલા ઍટ્રોસિટીના વિરોધમાં ભાવનગર, જામનગર, કોડીનાર, જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના હાઇવે પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું, જેને કારણે સ્ટેટના ૯ જિલ્લાઓને જોડતા હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. કરણી સેનાના સભ્ય યોગરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ‘રાજ શેખાવત સામે ઍટ્રોસિટી હટાવીને જો તેમને માનભેર છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં જોવા જેવી થશે. એક જ્ઞાતિને સાચવવા રાજપૂતો સાથે અન્યાય થાય એ કરણી સેના ચલાવતી નથી ત્યારે આ તો કરણી સેના સાથે જ અન્યાય થયો છે. એ તો કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે.’
શુક્રવારે રાતે કરણી સેનાના સભ્યોએ હાઇવે પર ચક્કાજામ કર્યું હતું તો ગઈ કાલે રાતે કરણી સેનાના સભ્યોએ હાઇવે પર ટાયર સળગાવીને હાઇવે જૅમ કરી દીધા હતા. ગઈ કાલે રાજકોટને જોડતા ૭ હાઇવે પર ટાયર સળગાવવામાં આવ્યાં હતાં તો ભાવનગરને જોડતા ૬ હાઇવે પર, જામનગરને જોડતા પાંચ હાઇવે પર, જૂનાગઢને જોડતા ૬ હાઇવે પર અને સુરેન્દ્રનગરને જોડતા પાંચ હાઇવે પર મોટી માત્રામાં ટાયર બાળવામાં આવ્યાં હતાં. કરણી સેનાએ મંગળવાર સુધીનો સમય આપ્યો છે અને જો ત્યાં સુધીમાં તેમના પ્રમુખને છોડવામાં નહીં આવે તો ‘ગુજરાત બંધ’નું એલાન કર્યું છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

ગુજરાતમાં અત્યારે સ્કૂલ-કૉલેજોમાં વેકેશન છે એટલે કરણી સેનાએ બંધ સમયે હાઇવે પર બહારથી કોઈ વાહન શહેરમાં ન આવે એ પ્રકારની સ્ટ્રૅટેજી બનાવી છે, જેને લીધે ગુજરાત બંધ સમયે દૂધથી માંડીને શાકભાજી જેવી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુ લોકો સુધી ન પહોંચે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે અને રોજગાર-વેપારને અટકાવી દેવામાં આવશે.

gujarat ahmedabad