નોનવેજની લારીઓ જપ્ત કરવાના મુદ્દે હાઇકોર્ટનો AMCને સવાલઃ તમે નક્કી કરશો અમારે શું ખાવું?

10 December, 2021 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપાલિટી (AMC)ને 25 લારીવાળાની અરજીને મામલે ફટકાર લગાવી છે. વાસ્તવમાં, મ્યુનિસિપલ અધિકારીઓ પર સ્થાનિક કાઉન્સિલરની ફરિયાદ પછી માંસાહારી ખોરાક વેચનારાઓની હાથ લારી જપ્ત કરવાનો આરોપ છે.

ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ (Gujarat High court) અમદાવાદ મ્યુનિસિપાલિટી (AMC)ને 25 લારીવાળાની અરજીને મામલે ફટકાર લગાવી છે. વાસ્તવમાં, મ્યુનિસિપલ અધિકારીઓ પર સ્થાનિક કાઉન્સિલરની ફરિયાદ પછી માંસાહારી ખોરાક વેચનારાઓની હાથ લારી જપ્ત કરવાનો આરોપ છે. આ સંદર્ભે, ગુજરાત હાઈકોર્ટે AMCને ફટકાર લગાવી અને નિર્દેશ આપ્યો કે તેણે અરજદારોનો સામાન વહેલામાં વહેલી તકે પરત કરવો પડશે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવે પૂછ્યું હતું કે, આખરે પાલિકામાં શું સમસ્યા છે? સરકારી વકીલને સંબોધતા કોર્ટે કહ્યું, "આખરે તમારી સમસ્યા શું છે? તમને માંસાહારી ખોરાક પસંદ નથી, તેથી આ તમારો દૃષ્ટિકોણ છે. આખરે, તમે કેવી રીતે નક્કી કરી શકો છો કે મારે બહાર જઇને શું ખાવું? આવતી કાલથી મારે બહાર જઇને શું ખાવું તે પણ તમે નક્કી કરશો? તાત્કાલિક જ મ્યુનિસિપલ કમિશનરને બોલાવો અને પૂછો કે તેઓ શું કરે છે? કાલે તેઓ કહેશે કે મારે શેરડીનો રસ ન પીવો, કારણ કે તેનાથી મને ડાયાબિટીસ થઈ શકે છે અથવા કૉફી ન પીવી કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખરાબ છે?"

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપાલિટીને ઠપકો આપ્યો હતો કે અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે તેમની ગાડીઓ અને લારીઓ કોઈપણ સત્તાવાર આદેશ વિના જપ્ત કરવામાં આવી હતી અને વડોદરા, સૂરજ, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદે આ મામલે તદ્દન વિરોધી વલણ અપનાવ્યું છે. ગયા મહિને, રાજકોટના મેયરે પણ કહ્યું હતું કે માંસાહારી ખોરાક વેચનારાઓ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે.

આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના વકીલ સત્યમ છાયાએ જણાવ્યું હતું કે આ કેસ અમુક પ્રકારની ગેરસમજને કારણે દાખલ કરવામાં આવ્યો છે અને માંસાહારી ખોરાક વેચતા તમામ વિક્રેતાઓને દૂર કરવા માટે કોઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે હાથગાડીઓ હટાવવાનું એકમાત્ર કારણ રસ્તાની બાજુમાં થતી ગીચતા હતી, જેના કારણે ટ્રાફિકની ઘણી સમસ્યા થઈ રહી હતી.

તેના પર જસ્ટિસ વૈષ્ણવે પૂછ્યું કે શું માંસાહારી ખોરાક વેચનારાઓને નિશાન બનાવીને આ ગીચતા  હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું- "જો વસ્ત્રાપુર તળાવ પાસે લારીવાળા ઈંડા વેચતા હોય અને રાતોરાત સત્તામાં આવેલી પાર્ટીએ નક્કી કર્યું હોય કે અમારે ઈંડા ખાવાના નથી અને અમારે તેને અટકાવવાનું છે, તો શું તમે તેને દૂર કરશો. તમે આવું કેમ કરો છો? તમારા મ્યુનિસિપલ કમિશનરને અહીં હાજર રહેવા કહો. તમારી હિંમત કેવી રીતે થઈ કે લોકો સાથે આવો ભેદભાવ કરો?"

 

gujarat gujarat news ahmedabad