લોકો ભગવાનના ભરોસે જ જીવી રહ્યા છે: ગુજરાત સરકારને હાઈ કોર્ટની ટકોર

13 April, 2021 11:09 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

તમે દાવો કરો છો એનાથી સ્થિતિ સાવ ઊલટી જ છે: દરેક દરદીને રેમડેસિવિર ઉપલબ્ધ કેમ નથી કરતા

પ્રતીકાત્મક તસવીર

રેમડેસિવિર ઇન્જેક્શનોને લગતો સંપૂર્ણ અંકુશ એક જ એજન્સી હેઠળ રાખતી સિસ્ટમ અપનાવવા બદલ ગુજરાત હાઈ કોર્ટે ગઈ કાલે ગુજરાત સરકારનો ઊધડો લીધો હતો અને જણાવ્યું હતું કે શા માટે આવી અત્યંત મહત્ત્વની કોવિડ-વિરોધી દવા દરેક વ્યક્તિને ઉપલબ્ધ નથી કરવામાં આવતી?

અદાલતે સરકારને એવું પણ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વધુ ન ફેલાય એ માટે પ્રત્યેક કેન્દ્ર ખાતેના સત્તાધીશોના માથે જવાબદારી રહે એવી સિસ્ટમ હોવી જોઈએ. રાજ્ય સરકાર જે પ્રકારના દાવા કરે છે એવી સ્થિતિ રાજ્યમાં છે જ નહીં. વાસ્તવમાં પરિસ્થિતિ સાવ ઊલટી અને ગંભીર છે. લોકોને હવે પોતે ભગવાનની મહેરબાની પર જ જીવી રહ્યા હોય એવું લાગે છે.’

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની બનેલી બેન્ચે એક પીટિશન પર આપમેળે બાબતને હાથ પર લઈને આ મુજબ જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં રોજના ૫૦૦૦ કેસ બને છે. અદાલતે રાજ્ય સરકારને સૂચવ્યું હતું કે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે માત્ર ૫૦ જણની છૂટ આપો, અંતિમ સંસ્કારના સ્થળે પણ લોકોની સંખ્યા ઓછી રખાવો, કોઈ પણ રીતે સમૂહમાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકો, ઑફિસોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવા કહો અને દરેક સોસાયટીમાંથી એક જણને સત્તાધીશાેના સંપર્કમાં રહેવાનું કહો.’

અદાલતે રાજ્ય સરકાર પર સવાલોનો મારો ચલાવતા કહ્યું હતું કે ૅગયા વર્ષે જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે તમે બધાને ઘરમાં જ ક્વૉરન્ટીન થવાનું કહેતા હતા અને ઘરમાં જ સારવાર મેળવવાનું કહેતા હતા. હવે તમે સિસ્ટમ કેમ બદલી અને કેમ હૉસ્પિટલમાં દાખલ થવાનો લોકોને આગ્રહ કરો છો? રૅમડેસિવિર હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ થવા જોઈએ અને ઘરમાં ક્વૉરન્ટીન થયેલા દરદીઓને નહીં એવો આગ્રહ શા માટે રાખો છો? બધી હૉસ્પિટલોમાં અને દરેક જરૂરતમંદ દરદીને કેમ રૅમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ નથી કરાતા?’

coronavirus covid19 gujarat gujarat news gujarat high court