ગુજરાત સરકાર સુરતમાં ખાડી ડેવલપમેન્ટ માટે ફાળવશે ૫૦૦ કરોડ

10 July, 2026 10:02 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

પૂર દરમ્યાન સામે આવેલી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એ માટે ભૂપેન્દ્ર પટેલે તંત્રને કરી આકરી તાકીદ

સુરતનો લિંબાયત મીઠી ખાડી વિસ્તાર ગઈ કાલે પણ જળગ્રસ્ત હતો.

સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને શહેરમાંથી પસાર થતી ખાડીઓના પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિનો તાગ મેળવવા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈ કાલે સુરતની મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલે સુરતની સ્થિતિનો તકાજો મેળવ્યા બાદ વહીવટી તંત્રના તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને પોતાની કામગીરી સુનિશ્ચિત કરે અને ભવિષ્યમાં ખાડીનું પૂર અટકાવવાનું નક્કર આયોજન કરે એવી કડક સૂચના આપી હતી. એટલું જ નહીં, સુરતમાં ખાડીના પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી રાજ્ય સરકાર કરશે એવી જાહેરાત કરી હતી.  

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જાતમુલાકાત લઈને અસરગ્રસ્તોની વેદના સાંભળી હતી. તેમણે વરાછા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોદાર આર્કેડની મુલાકાત દરમ્યાન વેપારીઓએ તેમને થયેલા નુકસાનની માહિતી હર્ષ સંઘવીને આપી હતી. વરાછાની એક સોસાયટીમાં મુલાકાત દરમ્યાન હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી વર્ણવતાં અસરગ્રસ્ત મહિલા રડી પડી હતી. આ મહિલાએ તેના ઘરમાં અને દુકાનમાં ભરાઈ ગયેલા પાણી અને એને કારણે કેટલું નુકસાન થયું છે એની વિગતો આપી હતી.   

gujarat news gujarat surat bhupendra patel harsh sanghavi Gujarat Rains