રોજ 55 લોકો કરી રહ્યા છે આત્મહત્યા, રાજ્ય સરકારનો ચોંકાવનારો ખુલાસો

11 July, 2019 02:44 PM IST  |  ગાંધીનગર

રોજ 55 લોકો કરી રહ્યા છે આત્મહત્યા, રાજ્ય સરકારનો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં એક તરફ છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે, ગુનાખોરીના આંકડા વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે વિધાનસભામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં કરેલા આ ખુલાસાથી તમે પણ ચોંકી જશો. રાજ્ય સરકારના અહેવાલ પ્રમાણે રાજ્યમાં રોજ 55 લોકો આત્મહત્યા કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારે આજે વિધાનસભામાં અપમૃત્યુ અને આત્મહત્યાના આંકડા જાહર કર્યા છે. જે પ્રમાણે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે, આ કેસમાંથી 33,324 કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 7082 કેસની હજીય તપાસ ચાલી રહી છે. આ અહેવાલ પ્રમાણે જોઈએ તો છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજ 55 લોકોએ આપઘાત કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં ગૃહ પ્રધાને આજે ખુલાસો કર્યો છે.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુના કેસ રાજકોટમાં છે. રાજકોટમાં આવા મોતનો આંકડો 5,140 છે. જ્યારે અમદાવાદમાં 4,332, વલસાડમાં 4,226, સુરતમાં 4,047 અને જામનગરમાં છેલ્લા બે વર્ષમાં1763 અપમૃત્યુ અથવા આત્મહત્યાના કેસ નોંધાયા છે. આ પાંચ જિલ્લા આપઘાત અને અપમૃત્યુમાં સૌથી ઉપર છે.

આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

જ્યારે સૌથી ઓછા કેસ ધરાવતા પાંચ જિલ્લાની વાત કરીએ તો સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ પાટણમાં 222 નોંધાયા છે. જ્યારે તેના પછી બીજાક્રમે ડાંગ 264), ત્રીજા ક્રમે મહિસાગર 270, ચોથા ક્રમે તાપી 286 અને પાંચમાં નબરે છોટાઉદેપુર 291 છે.

gujarat news